નવી દિલ્હી : સ્ટેનફોર્ડમાં પ્રશિક્ષિત ચિકિત્સક અને અર્થશાસ્ત્રી જય ભટ્ટાચાર્યને રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના (NIH) આગામી ડિરેક્ટર તરીકે સત્તાવાર રીતે નામાંકિત કરવામાં આવ્યા છે. આ સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "હું ડો. જય ભટ્ટાચાર્ય, MD, PhD નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરવા માટે રોમાંચિત છું.
NIH આગામી ડિરેક્ટર ડો. ભટ્ટાચાર્ય : રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ડો. ભટ્ટાચાર્ય રાષ્ટ્રના તબીબી સંશોધનનું નિર્દેશન કરવા અને મહત્વપૂર્ણ શોધો કરવા માટે રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે મળીને કામ કરશે, જેનાથી આરોગ્યમાં સુધારો આવશે અને જીવન બચશે." ડો. જય ભટ્ટાચાર્ય માને છે કે, NIH એ તેનું ધ્યાન વધુ નવીન સંશોધનોને ભંડોળ પૂરું પાડવા તરફ કરવા સાથે લાંબા સમયથી સેવા આપતા કેટલાક અધિકારીઓના પ્રભાવને પણ ઘટાડવો જોઈએ.
ડો. જય ભટ્ટાચાર્યએ આ અઠવાડિયે રોબર્ટ એફ. કેનેડી જુનિયરને મળ્યા હતા. કેનેડીને ટ્રમ્પ દ્વારા આરોગ્ય અને માનવ સેવા વિભાગના નેતૃત્વ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ સંસ્થા NIH અને અન્ય આરોગ્ય એજન્સીઓની દેખરેખ રાખે છે. ધ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ ડૉ. જય ભટ્ટાચાર્યનું NIH માં સુધારા માટેનું પોતાનું વિઝન છે, જેણે ટ્રમ્પને ખૂબ પ્રભાવિત કર્યા છે.
સંશોધકોને નાણાકીય સહાય પ્રદાન કરતી સંસ્થા : NIH સેંકડો હજારો સંશોધકોને નાણાકીય સહાય પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત મેરીલેન્ડ કેમ્પસમાં વિવિધ ક્લિનિકલ ટ્રાયલ્સ પર દેખરેખ રાખવી તથા દવાઓ અને સારવાર વિકસાવવા માટેના વિવિધ પ્રયાસોને પ્રાયોજિત કરે છે. NIH ડિરેક્ટર માટે નોમિનીની સેનેટ દ્વારા પુષ્ટિ થવી આવશ્યક છે, જે જાન્યુઆરી મહિનામાં રિપબ્લિકન પાર્ટી સાથે હશે.
ટ્રમ્પ સરકારના ટીકાકાર : ડો. જય ભટ્ટાચાર્ય કોવિડકાળના શરૂઆતના દિવસોમાં સંઘીય સરકારના કોવિડ-19 પ્રતિભાવના અગ્રણી ટીકાકાર હતા. તેમણે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઓક્ટોબર 2020 માં એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં સરકારને રોગચાળાના લોકડાઉનને પાછા ખેંચવા, પરંતુ સંવેદનશીલ વસ્તી જેમ કે વૃદ્ધો માટે 'કેન્દ્રિત સુરક્ષા' જાળવવા હાકલ કરી હતી.
આ સૂચનને રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓ અને ઘણા અમેરિકનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેઓ લોકડાઉનની ટીકા કરતા હતા. જોકે, NIH તત્કાલીન ડિરેક્ટર ફ્રાન્સિસ એસ. કોલિન્સ સહિતના જાહેર આરોગ્ય નિષ્ણાતોએ દરખાસ્તની ટીકા કરી અને તેને જોખમી ગણાવી હતી. કારણ કે કોવિડ-19 એવા સમયે ફેલાઈ રહ્યો હતો, જ્યારે રસી હજુ ઉપલબ્ધ ન હતી.