સુરત: શહેરમાંથી જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઈલમાં અપહરણનો મામલો સામે આવ્યો છે. રાંદેર પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકના ગુનો પણ નોંધવામાં આવ્યા હતા. જેથી તેઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે હાલ જેલમાંથી જામીન પર છૂટીને ફરી આ પ્રકારનો ગુનો આચર્યો હતો. જેથી તમામ આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદીનું 3 આરોપીઓએ કર્યુ અપહરણ: સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ફરિયાદીને જાહેરમાં આરોપીઓ ગાડીમાંથી ઉતારીને તેમની લાલ ગાડીમાં ગળે ચાકુ રાખીને અપહરણ કરીને લઇ જતા જોવા મળી રહ્યા છે. આ બાબતે ACP બી. એમ. ચૌધરીએ જણાવ્યું કે, રાંદેર પોલીસ સ્ટેશનમાં લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પૈસાની જરુર હોવાથી અપહરણ કરી લૂંટ ચલાવી: 3 આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કર્યુ હતું. જેમાં પકડાયેલા આરોપીઓને USDTથી પૈસાની જરૂર હતી. જેથી 3 આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને આરોપીઓ રાંદેર વિસ્તારના જુનેથ હોસ્પિટલ પાસે એકઠા થયા હતા. ત્યારે જ અચાનક આરોપીઓએ ફરિયાદીન ગળે ચાકુ રાખીને પોતાની ગાડીમાં અપહરણ કરીને ઓલપાડ ખાતે લઇ ગયા હતા.
ફરિયાદીનું અપહરણ કરી લૂંટ આચર્યાનો આરોપ: 3 આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરીને તેમની પાસેથી 3 હજારની USDT વોલેટમાંથી આરોપીઓએ પોતાના વૉલેટમાં ટ્રાન્સફર કરાવ્યું હતું. જે ભારતીય કરન્સી પ્રમાણે રૂપિયા 30 લાખ થાય છે. તે ઉપરાંત ફરિયાદી પાસે રૂપિયા 18 હજાર રોકડા હતા તે પણ આરોપીઓએ લઈ લીધા હતા.
પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી: ફરિયાદીને ગાડીમાં ફેરવીને રાંદેરથી લિંબાયત થઇને સારોલી ચેકપોસ્ટ પાસે તેને ઉતારી દઇને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ફરિયાદી હોસ્પિટલ જઈને સારવાર લઇને પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી રાંદેર પોલીસે આ મામલે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે 3 આરોપીઓ કૈલાશ ઉર્ફે કેલિયા પાટીલ,દયાવાન ઉર્ફે બંટી પાટીલ અને અશોક ઉર્ફે ભૂરિયા મહાજનની ધરપકડ કરી હતી.
આરોપીઓ સામે ઘણા ગુનાઓ: આ 3 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી કૈલાશ વિરુદ્ધ લિંબાયત, સચિન અને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારીના ગુના નોંધાયા છે. આરોપી દયાવાન વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી અશોક વિરુદ્ધ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં 4 થી 5 મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.
આરોપીઓ ગુજ્સીટોકના ગુનામાં જેલમાં હતા: આ ત્રિપુટી લિંબાયત, ડીંડોલીમાં પોતાનો દબદબો બનાવવા માટે આ પ્રકારનો ગુનાઓને અંજામ આપતા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધવામાં આવ્યા હતા. જેથી તેઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને હાલ જેલમાંથી જામીન પર છૂટી ફરી આ પ્રકારની ઘટનાને અંજામ આપી હતી. જેથી હાલ તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: