વોશિંગ્ટનઃઅમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ જે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ સોમવાર, 20 જાન્યુઆરીએ યોજાશે. આ પહેલા રવિવારે વોશિંગ્ટનમાં રિસેપ્શન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પ સાથે ડિનરમાં હાજરી આપી હતી.
સમારોહમાં કેટલાક પસંદગીના લોકો હાજર હતા: USના ચુંટાયેલા નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મહેમાનોને સંબોધિત કરી રહ્યા હતા. આ મહેમાનોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ જોવા મળે છે. મુકેશ અંબાણીએ સૂટ પહેર્યો હતો જ્યારે નીતા અંબાણીએ પરંપરાગત સાડી પહેરી હતી. બંનેએ નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાં હાજર મહેમાનોએ તાળીઓ પાડીને ટ્રમ્પના ભાષણનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
લગભગ 100 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું: અમેરિકાના કેટલાક પ્રભાવશાળી અબજોપતિઓ અને રાજકારણીઓ તેમજ વિદેશી નેતાઓ અને હસ્તીઓ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે 18 જાન્યુઆરીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન પહોંચેલા અંબાણી ટ્રમ્પ સાથેના ડિનરમાં સામેલ થયેલા પસંદગીના 100 લોકોમાં સામેલ હતા. ડિનરમાં હાજરી આપનાર તે એકમાત્ર ભારતીય હતો. વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે ચૂંટાયેલા જેડી અને ઉષા વેંસે પણ તેમની સાથે મુલાકાત કરી હતી.