કુવૈત સિટી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારના રોજ કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી નવાજવામાં આવ્યા હતા. કોઈપણ દેશ દ્વારા તેમને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે. ગયા મહિને વડાપ્રધાન મોદીને ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
PM મોદીને મળ્યું કુવૈતનું સર્વોચ્ચ સન્માન :કુવૈતનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થવા પર પીએમ મોદીએ કહ્યું કે, કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબા દ્વારા મુબારક અલ-કબીર ઓર્ડરથી સન્માનિત થવું એ સન્માનની વાત છે. હું આ સન્માન ભારતના લોકોને અને ભારત અને કુવૈત વચ્ચેની મજબૂત મિત્રતાને સમર્પિત કરું છું.
'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' :અગાઉ આ સન્માન બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને આપવામાં આવ્યું છે. આ સન્માન રાજ્યના વડા, વિદેશી સાર્વભૌમ અને વિદેશી શાહી પરિવારના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે.