રશિયા :ભારતીય નૌકાદળ માટે રશિયન નિર્મિત યુદ્ધ જહાજ INS તુશિલનું સોમવારના રોજ રશિયન તટીય શહેર કલિનિનગ્રાદમાં જલાવતરણ કરવામાં આવ્યું હતું. રડારથી બચવામાં સક્ષમ અને મિસાઈલ ક્ષમતાથી સજ્જ આ યુદ્ધ જહાજના જલાવતરણ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી સહિત અન્ય ઘણા વરિષ્ઠ ભારતીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય નૌકાદળમાં જોડાયું INS તુશિલ :છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં ચીની નૌકાદળની ગતિવિધિઓ વધી છે. આ યુદ્ધજહાજ રશિયામાં 2.5 અબજ યુએસ ડોલરથી વધુના કરાર હેઠળ બનાવવામાં આવ્યું છે. ભારતે 2016માં નૌકાદળ માટે ચાર 'સ્ટીલ્થ ફ્રિગેટ્સ' માટે રશિયા સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ રશિયામાં બે યુદ્ધ જહાજનું નિર્માણ થવાનું હતું, જ્યારે અન્ય બે યુદ્ધ જહાજ ભારતમાં બનવાના હતા.
હિંદ મહાસાગરમાં કરશે સુરક્ષા :હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતામાં INS તુશિલ નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે. યુદ્ધ જહાજ તુલિશના જલાવતરણને ભારતની વધતી જતી દરિયાઈ શક્તિની ગૌરવપૂર્ણ સાક્ષી અને રશિયા સાથે લાંબા ગાળાના સંબંધોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવતા રાજનાથ સિંહે કહ્યું, “આ જહાજ રશિયન અને ભારતીય ઉદ્યોગોની સહયોગી ક્ષમતાનો મોટો પુરાવો છે. સંયુક્ત કૌશલ્યો દ્વારા તકનીકી શ્રેષ્ઠતા તરફ ભારતની યાત્રાનું આ ઉદાહરણ છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ભારત અને રશિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, અવકાશ સંશોધન અને આતંકવાદ વિરોધી ક્ષેત્રોમાં એકબીજાની કુશળતાનો લાભ લઈને સહકારના "નવા યુગ"માં પ્રવેશ કરશે. કલિનિનગ્રાદમાં તૈનાત 'વોરશિપ સર્વેલન્સ ટીમ'ના નિષ્ણાતોની ભારતીય ટીમ દ્વારા જહાજના નિર્માણ પર નજર રાખવામાં આવી હતી.
રડારથી બચવાની ક્ષમતા :અધિકારીઓએ જણાવ્યું હતું કે, INS તુશીલ એ પ્રોજેક્ટ 1135.6 નું અપગ્રેડેડ ક્રિવાક-3 ક્લાસ ફ્રિગેટ છે. 125 મીટર લાંબુ અને 3900 ટનનું યુદ્ધ જહાજ INS તુશિલ રશિયન અને ભારતીય અત્યાધુનિક ટેક્નોલોજી અને યુદ્ધ જહાજના નિર્માણમાં શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રભાવશાળી મિશ્રણ છે. જહાજની નવી ડિઝાઇન તેને રડારથી બચવાની ક્ષમતા અને વધુ સારી સ્થિરતા આપે છે.
સ્વદેશી સામગ્રીમાં 26 ટકાનો વધારો :ભારતીય નૌકાદળના નિષ્ણાતો અને સેવરનોય ડિઝાઇન બ્યુરોના સહયોગથી આ જહાજની સ્વદેશી સામગ્રીમાં 26 ટકાનો વધારો કરવામાં આવ્યો અને ભારતીય નિર્મિત પ્રણાલીઓની સંખ્યા બમણીથી વધીને 33 થઈ ગઈ છે. આ જહાજના નિર્માણમાં સામેલ મુખ્ય ભારતીય કંપનીઓમાં OEM બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કેલ્ટ્રોન, ટાટા થી નોવા ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ, એલ્કોમ મરીન, જોન્સન કંટ્રોલ્સ ઈન્ડિયા અને અન્ય ઘણી કંપનીઓ સામેલ હતી.
- રાષ્ટ્રપતિ મુર્મુએ નૌકાદળના INS વિક્રાંતના ક્રૂ સાથે કરી વાતચીત
- પોરબંદરની ચોપાટી પર નૌકાદળ દિવસની ઉજવણી, જુઓ વીડિયો