અમદાવાદઃ વર્ષ 2022માં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે શસ્ત્ર પ્રણાલિ અંતર્ગત કુલ 375 મિલિયન યુએસ ડોલર્સના કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ ભારતમાં નિર્મિત બ્રહ્મોસ મિસાઈલ ફિલિપાઈન્સને પૂરી પાડવામાં આવી છે. ભારતે આ મિસાઈલ ફિલિપાઈન્સને પૂરી પાડી છે તેની પાછળનું કારણ ચીન સામે ફિલિપાઈન્સના સૈન્ય સશક્તિકરણમાં વધારો કરવાનું છે. જો કે આ કારણ સિવાય પણ ભારતની ખાસ કરીને વડાપ્રધાન મોદીની સ્ટ્રેટેજી "દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ"વાળી છે. જેમાં ફિલિપાઈન્સને મજબૂત કરીને ભારત માટે ખતરો બની રહેલ ચીનને થોડા ઘણે અંશે નબળું કરવું તેવો એક એજન્ડા પણ છે.
પહેલું કન્સાઈન્મેન્ટઃ ભારત હવે સૈન્ય સરંજામ નિર્માણમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. બ્રહ્મોસ અને તેના જેવા અન્ય સૈન્ય સરંજામ તેના ઉદાહરણ છે. માત્ર સંરક્ષણ ક્ષેત્રે જ નહિ પરંતુ અવકાશ ક્ષેત્રે પણ ભારતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ભારત હવે અન્ય દેશોના ઉપગ્રહોને પણ અવકાશમાં સ્થાપિત કરી આપીને તેમને મદદરુપ બની રહ્યું છે. જ્યારે સંરક્ષણ ક્ષેત્રે અન્ય દેશોને સરંજામ પૂરા પાડવાની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે.સંરક્ષણ ઉપકરણોની નિકાસમાં ભારત એક મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે. આ પગલું એટલે ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ પૂરી પાડવાનું. ભારતે મોકલેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પહેલું કન્સાઈનમેન્ટ ફિલિપાઈન્સ પહોંચી ગયું છે.
મિસાઈલ સાથે ભારતે બીજું શું મોકલ્યું?:ભારતમાં બનેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પહેલું કન્સાઈનમેન્ટ ફિલિપાઈન્સ પહોંચાડવામાં આવ્યું છે. આ કન્સાઈન્મેન્ટમાં 3 બેટરી, તાલીમ માટે ઓપરેટર્સ અને એસ્કોર્ટ્સ તેમજ જરૂરી ઈંન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સપોર્ટ (ILS) પેકેજનો સમાવેશ થાય છે. બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલની રેન્જ 290 કિમી છે અને તે 200 કિલોગ્રામના વોરહેડનું વહન કરી શકે છે. ભારતીય વાયુસેના (IAF)એ પણ ફિલિપાઈન્સમાં મિસાઈલ્સ સાથે તેનું C-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટ મોકલ્યું છે. ફિલિપાઈન મરીન કોર્પ્સને આ બ્રહ્મોસ મિસાઈલ કન્સાઈન્મેન્ટ સોંપવામાં આવ્યું છે.
દક્ષિણ ચીન સાગરમાં તણાવગ્રસ્ત સ્થિતિઃ ફિલિપાઈન્સ અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સમુદ્રમાં પરિસ્થિતિ તણાવભરી બની રહી છે. ફિલિપાઈન્સને ચીનને આગળ વધતું અટકાવવા માટે સૈન્ય સશક્તિકરણની દિશામાં મોટા નિર્ણયો લેવા આવશ્યક છે. ફિલિપાઈન્સના સૈન્ય સશક્તિકરણમાં વધારો થાય તે માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલની માંગણી કરવામાં આવી હતી. જેને ભારતે મંજૂરી આપીને ભારતમાં તૈયાર થયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પહેલું કન્સાઈનમેન્ટ શુક્રવારે ફિલિપાઈન્સ પહોંચાડી દીધું છે.
ચીનના પેટમાં તેલ રેડાયુંઃ ભારતે મોકલેલ બ્રહ્મોસ મિસાઈલથી ફિલિપાઈન્સના સૈન્યનું સશક્તિકરણ થશે તેમાં કોઈ બેમત નથી. તેમજ ભારત હવે પોતે બનાવેલા શસ્ત્રોની નિકાસ કરવા સક્ષમ બન્યું છે તેની નોંધ વિશ્વ લઈ રહ્યું છે. આ બાબતોથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. સમાચાર એજન્સી સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે આ સમાચાર પ્રસારિત કર્યા છે. જેમાં લખ્યું છે કે, ન્યૂ દિલ્હી(ભારત સરકાર-વડાપ્રધાન મોદી) હવે શસ્ત્રોની નિકાસમાં આગળ વધી રહ્યા છે. ભારતે ફિલિપાઈન્સમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરીને સાઉથઈસ્ટ એશિયામાં વધતા જતા ચીની પ્રભાવ વિરુદ્ધ કાઉન્ટર બેલેન્સ કરવાના પ્રયત્નો કર્યા છે.
- વિયેતનામ પણ યુદ્ધ માટે તૈયાર: મુલાકાત દરમિયાન રાજનાથ 'બ્રહ્મોસ' મિસાઈલની વાત કરશે!
- BrahMos Precision Strike Missile: ભારતીય નૌસેનાએ બ્રહ્મોસ પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું