નવી દિલ્હી : અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું કે, ભારત એક 'મહત્વપૂર્ણ' પ્રાદેશિક અને આર્થિક શક્તિ છે. તાલિબાનની આ ટિપ્પણી વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી વચ્ચે 8 જાન્યુઆરી, બુધવારે દુબઈમાં થયેલી વાતચીત બાદ આવી છે.
ભારત અને તાલિબાની અફઘાનિસ્તાન સરકાર વચ્ચે બેઠક :ઓગસ્ટ 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા પછી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ જાહેર ઉચ્ચસ્તરીય બેઠક યોજાયી હતી. જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.
મુત્તાકીએ ભારતનો આભાર વ્યક્ત કર્યો :અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, મુત્તાકીએ 'માનવતાવાદી સહાય માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે અમારી સંતુલિત અને અર્થતંત્ર-કેન્દ્રિત વિદેશ નીતિના ભાગરૂપે અમે ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ.