પાકિસ્તાન : ભારતના પાડોશી રાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ શકે છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીની મત ગણતરી વચ્ચે ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ 154 બેઠક પર આગળ છે. પોતાની ઓળખ આંતરરાષ્ટ્રીય થિંક ટેન્કના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપનાર પાકિસ્તાની નેટીઝને મત ગણતરી વચ્ચે પ્રારંભિક વલણો પોસ્ટ કર્યા હતા. જે દર્શાવે છે કે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા સ્થાપિત પક્ષ PTI દ્વારા સમર્થન અપાયેલ અપક્ષ 150 થી વધુ બેઠક પર આગળ છે.
આ પોસ્ટ અનુસાર PTI સમર્થિત ઉમેદવારો 154 બેઠક પર આગળ હતા. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) એકબીજા સાથે મળી 47 બેઠકો પર આગળ છે. બીજી તરફ પ્રારંભિક વલણો મુજબ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) અને જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (F) ચાર-ચાર બેઠક પર આગળ હતા. ARY News ના રિપોર્ટ અનુસાર PTI અધ્યક્ષ બેરિસ્ટર ગોહર અલી ખાને પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી 150 થી વધુ નેશનલ એસેમ્બલી (NA) સીટ પર આગળ છે. સોશિયલ મીડિયા X પર શેર કરેલા એક વીડિયોમાં બેરિસ્ટર ગોહરે કહ્યું કે, કેન્દ્ર અને ખૈબર-પખ્તુનખ્વામાં (KP) આજની ભવ્ય જીત પછી PTI સરકાર બનાવશે.
હજુ પણ દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક માનવામાં આવતા ઇમરાન ખાન હાલમાં બહુવિધ કેસમાં દોષિત જણાતા અદિયાલા જેલમાં કેદ છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનને અગાઉ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ઈમરાન ખાનને સાયફર કેસમાં 10 વર્ષની જેલની સજા, તોશાખાના કેસમાં 14 વર્ષની જેલની સજા અને અન-ઇસ્લામિક લગ્ન કેસમાં સાત વર્ષ જેલની સજા થયા બાદ દેશના વડાપ્રધાન તરીકે પાછા ફરવાની તેમની આશામાં ફટકો પડ્યો હતો. વધુમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે PTI પાર્ટીના પ્રતિકાત્મક 'બેટ' ચિન્હને રદ કરવાના પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન આપ્યું હતું. જોકે Dawn ના રિપોર્ટ અનુસાર ઇમરાન ખાને કહ્યું કે તેમની સામેના તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત છે. ઉપરાંત તેમણે વચન આપ્યું કે તેમનો પક્ષ 8 ફેબ્રુઆરીએ વિરોધીઓને ફટકો આપશે.
ઇમરાન ખાને ઓફિશિયલ X હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરી તેમના સમર્થકોને બહાર આવી અને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે. 7 ફેબ્રુઆરીએ વ્યક્તિગત વીડિયો સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું કે, કાલે ચૂંટણી છે. હું ઈચ્છું છું કે તમે બહાર આવો અને તમે જાણતા હોય તેટલા લોકોને બહાર લાવો. કારણ કે આ ચૂંટણી દ્વારા તમે તમારું અને તમારા બાળકોનું ભાગ્ય બદલશો. PTI સામાન્ય ચૂંટણીનો બહિષ્કાર કરી રહી હોવાના રિપોર્ટને ફગાવી દીધા હતા.