ચંડીગઢઃદેશના અન્ય રાજ્યોની સાથે હરિયાણામાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. પરંતુ, હરિયાણાના પંચકુલાના વિવેક સૈની નામના વિદ્યાર્થીનું વિદેશ જઈને અભ્યાસ કરવાનું અને સફળ બનવાનું સપનું જાણે કે અધુરૂ જ રહી ગયું. જાણવા મળતી માહિતી અનુસાર વિવેક સૈનીએ જુલિયન ફોકનર નામના એક બેઘર વ્યક્તિને ખાવા-પીવાની વસ્તુઓ આપતો હતો. મૃતક વિવેક સૈનીના મિત્રોના જણાવ્યા અનુસાર 16 જાન્યુઆરીએ જ્યારે વિવેક સૈનીએ આરોપીને મફતમાં સામાન આપવાની ના પાડી ત્યારે આરોપી રોષે ભરાયો હતો અને આવેશમાં આવીને વિવેક પર હથોડીથી હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા માદરે વતનમાં વિવેકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
2 વર્ષ પહેલા અમેરિકા ગયો હતોઃચંદીગઢ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં B.Techનો અભ્યાસ કર્યા બાદ વિવેક સૈની પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે 2 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. થોડા દિવસો પહેલા તેણે અમેરિકાની અલાબામા યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું. તે જ્યોર્જિયાના લિથોનિયામાં સ્નેપ ફિંગર અને શેવરોન ફૂડ માર્ટમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો.