નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે બેલ્જિયમના ટોચના રાજદ્વારી થિયોડોરા જેન્ટીઝ સાથે ભારતીય હીરા ઉદ્યોગ સંદર્ભે ચર્ચા કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત અને બેલ્જિયમ વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી. X પર એક પોસ્ટમાં, જયશંકરે કહ્યું, આજે સેક્રેટરી જનરલ @BelgiumMFA થિયોડોરા જેન્ટ્ઝિસ સાથે ચર્ચા કરી. જેમાં ભારત, બેલ્જિયમ અને EU વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત બનાવવાની ચર્ચા કરી. આ ઉપરાંત સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યુ.
એન્ટવર્પ અને ગુજરાતી હીરાના વેપારીઓઃ મૂળ રશિયન હોવાના શંકાસ્પદ હીરાની આયાત પર એન્ટવર્પ પોલીસ અને કસ્ટમ વિભાગ સઘન ચકાસણી કરી રહ્યું છે. જેના લીધે ખાસ કરીને ગુજરાતના હીરાના વેપારીઓની ચિંતા વધી છે. યુક્રેન પર રશિયાના આક્રમણના જવાબમાં યુરોપિયન યુનિયન અને G7 પ્રતિબંધોને પગલે આ પરિવર્તન આવ્યું છે. એન્ટવર્પ એ સદીઓથી વૈશ્વિક હીરાના વેપારનું હબ રહ્યું છે અને તેમાં મોટાભાગે ગુજરાતી હીરાના વેપારીઓનું વર્ચસ્વ છે.