નવી દિલ્હીઃ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન જે કામ નથી કરી શક્યા તે કામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી બતાવ્યું છે. ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓ અને ખ્રિસ્તીઓ પરના હુમલાની નિંદા કરે છે.
વાસ્તવમાં, ભારતને અમેરિકી રાષ્ટ્રપતિ પાસેથી આવી જ પ્રતિક્રિયાની અપેક્ષા હતી, પરંતુ બાઇડેને તેમ કર્યું નહીં. તેમણે હુમલાની ટીકા કરી પરંતુ હિંદુઓનું નામ ન લીધું. ભારત ઈચ્છે છે કે અમેરિકા બાંગ્લાદેશને લઈને સ્પષ્ટ નિવેદન આપે.
બાઇડેનથી તદ્દન વિપરીત ટ્રમ્પે કહ્યું કે બાંગ્લાદેશમાં અરાજકતા છે, લઘુમતીઓના ઘરો લૂંટાઈ રહ્યા છે, તેમના પર હુમલા થઈ રહ્યા છે, આ સ્થિતિ ચિંતાજનક છે. તમામને દિવાળીની શુભેચ્છા પાઠવતા ટ્રમ્પે આ ટ્વિટ કર્યું હતું.
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "જો હું સત્તામાં હોત તો આવું ક્યારેય ન થાત. કમલા અને બાઇડેને અમેરિકા અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓની અવગણના કરી છે. તેઓએ ઈઝરાયેલથી લઈને યુક્રેન સુધી અને અમેરિકાની દક્ષિણી સરહદ પર પણ હિન્દુઓની અવગણના કરી છે. અમે ઘણી રીતે નિષ્ફળ ગયા છીએ, પરંતુ અમે અમેરિકાને ફરીથી મજબૂત બનાવીશું અને આ તાકાતથી અમે શાંતિ સ્થાપિત કરીશું."