મુંબઈઃ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર 27 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલી ઘટના પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટનું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. જેમાં 12th ફેઈલ ફિલ્મના અભિનેતા વિક્રાંત મેસી અને રાશિ ખન્ના પત્રકારની ભૂમિકા ભજવતા જોવા મળે છે અને આ ઘટનાનું રહસ્ય ઉકેલતા જોવા મળી રહ્યા છે. આ સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા.
શું છે ટીઝરમાં
ટીઝરની શરૂઆત કોર્ટ રૂમથી થાય છે જ્યાં વિક્રાંત આ ઘટના માટે જવાબદાર લોકો પાસેથી જાહેર માફીની માંગ કરે છે. બેકગ્રાઉન્ડમાં નરેટર કહે છે કે દરેક દેશના ઇતિહાસમાં એક એવો સમય આવે છે જે બધું જ બદલી નાખે છે. અમેરિકા માટે તે 9/11 હતો. અને ભારત માટે એવો જ સમય દસ્તક દેવાનો હતો. જે બાદ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલી સાબરમતી ઘટનાની ઝલક બતાવવામાં આવે છે.
દમદાર ડાયલોગ્સથી ભરેલું ટીઝર
ટીઝરમાં વિક્રાંતના ડાયલોગ્સ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. સાબરમતીની ઘટનાની ઝલક બતાવ્યા બાદ વિક્રાંતનો એક ડાયલોગ છે જેમાં તે કહે છે, 'ગોધરાનું સત્ય ખાઈને બેસી ગયા, એક દિવસ દેશના બધા જ બાળકો તમારી પાસેથી જવાબ માંગશે'. જે પછી રાશીનો ડાયલોગ છે, 'આ દેશના લોકોમાં ગુસ્સો ભરેલો છે, એક ચિંગારી લાગશે અને લાખો ઘર બળશે'. ટીઝરના અંતે, કોર્ટ રૂમમાં વિક્રાંતનું એક દ્રશ્ય છે જેમાં તે કહે છે, 'આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જજ સાહેબ, આજનો હિન્દુસ્તાન જવાહ આપવાનું પણ જાણે છે અને સવાલ પૂછવાનું પણ જાણે છે'.
વિક્રાંત-રાશિ Fearless જર્નાલિસ્ટની ભૂમિકામાં
12th ફેઈલમાં પોતાના અભિનયથી સૌ દર્શકોના દિલ જીત્યા બાદ વિક્રાંત મેસીએ ધ સાબરમતી રિપોર્ટમાં પણ શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. આ ફિલ્મમાં તે એક પત્રકારની ભૂમિકામાં છે જેની સાથે અભિનેત્રી રાશિ ખન્ના સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં જવાન ફેમ રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં છે. તમને જણાવી દઈએ કે સાબરમતી રિપોર્ટ ફિલ્મને એકતા કપૂર અને શોભા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સ અને વિકિર ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ રંજન ચંદેલ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ એક ક્રાઈમ ડ્રામા છે જે એક સત્ય ઘટના પર આધારિત છે આ ઘટના કેમ અને કેવી રીતે બની તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.
આ પણ વાંચો:
- 'ભૂલ ભુલૈયા 3'નું 'આમી જે તોમાર' સોન્ગ રિલીઝ, જોવા મળી 2 મંજુલિકાની જુગલબંધી