ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

માત્ર 39 વર્ષની વયે દુનિયાને અલવિદા કરી ગયા હતાં હિન્દી ફિલ્મ જગતના 'ગુરૂ'દત્ત, આવી હતી જિંદગી - guru dutt birth anniversary

39 વર્ષની ઉંમરે આ દુનિયાને અત્યંત નિરાશા સાથે વિદાય કરી જનાર ગુરુદત્તનો જન્મ 9 જૂલાઈ, 1925માં કોલકાત્તામાં થયો હતો. આટલા ટૂંક સમયના આયુષ્યકાળ દરમિયાન તેઓએ ફિલ્મ ક્રાફટિંગ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે એ બેનમૂન છે! આજે પણ તેમની ફિલ્મો અવિસ્મરણીય અને અદ્દભૂત અનુભૂતિ આપે એ કક્ષાની છે. તેમની એક દિગ્દર્શક તરીકેની જિંદગીના કેટલાક સુંદર પ્રસંગોની વાત કરવી છે!

By ETV Bharat Gujarati Team

Published : Jul 9, 2024, 9:45 AM IST

Updated : Jul 9, 2024, 11:59 PM IST

અભિનેતા ગુરૂદત્તની આજે જન્મજયંતી
અભિનેતા ગુરૂદત્તની આજે જન્મજયંતી (Etv Bharat Graphics Team)

હૈદરાબાદ:જાને વો કૈસે લોગ થે જિનકે પ્યાર કો પ્યાર મિલા

હમને તો જબ કલિયાં માંગી કાંટો કા હાર મિલા

પ્યાસાનું આ ગીત અને ગુરુ દત્તનો ગંભીર અભિનય! આ ગીતની કડીઓ કદાચ તેમના જીવનની હકીકત બની ગઈ હતી. ગુરુદત્ત જેમણે એક્ટિંગ, સ્ક્રીન ક્રાફટિંગ અને તેમની ફિલ્મોના છાયાંકન દ્વારા તેમની શ્રેષ્ઠ કલાત્મક સમજણને વિશ્વ ફલક ઉપર સાબિત કરી બતાવી હતી.

માત્ર 39 વર્ષની ઉંમરે આ દુનિયાને અત્યંત નિરાશા સાથે વિદાય કરી જનાર ગુરુદત્તના જન્મ દિવસે એમના વ્યક્તિત્વના કલાતત્વના પસાઓ ઉપર નજર કરીએ તો લાગે છે કે એમણે ખૂબ વહેલા વિદાય લઈ લીધી. ગુરુદત્તે તેમના જીવનકાળ દરમિયાન ફિલ્મ ક્રાફટિંગ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તે આજે પણ અવિસ્મરણીય છે.

ગુરુદત્તની ફિલ્મો:ફિલ્મોના વિષય પસંદ કરવામાં તેઓ દીર્ધ દ્રષ્ટા હતા. તેમની ફિલ્મ પ્યાસાનો સમાવેશ ભારતની શ્રેષ્ઠ 100 ફિલ્મોમાં થાય છે. તેઓ તેમના સ્ક્રીન પરફેક્શન માટે સહેજ પણ સમાધાન કરતાં નહોતા. લાઇટ ડિરેક્શનમાં પરફેક્શનના ઉત્તમ ઉદાહરણ જેવુ પ્યાસાનું અવિસ્મરણીય આ ગીત યાદ કરો!

વક્તને કિયા કયા હસીન સિતમ

તુમ રહે ન તુમ હમ રહે ના હમ...

આ ગીતના ઇમોશન્સ, એની સ્ક્રીન લેંગ્વેજ અને તેની ઊંચા કોર્નરમાંથી આવતી લાઇટ! યાદ છે? એ લાઇટ માટે સ્ટુડિયોના કોર્નરને તોડીને બારી બનાવીને એ નેચરલ લાઇટનું ફિલ્માંકન કરવાનું કાર્ય આજે પણ એ ગીત રૂપેરી પડદે જોઈએ ત્યારે તેમની આ કળા ઉપર વારી જવાય!

ગુરુદત્તની ફિલ્મ અને સેન્સર બોર્ડ: તેમની ફિલ્મ ચૌદહવીં કા ચાંદનો એક કિસ્સો જાણીતો છે! આજે જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડ અત્યંત ઓબસીન ગીતોને પણ પરમીશન આપી દે છે એ જ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા તેમની ફિલ્મના ટાઇટલ સોંગ "ફિલ્મ ચૌદહવીં કા ચાંદ હો યા આફતાબ હો... જો ભી હો તું ખુદા કી કસમ, લાજવાબ હો... માટે તેમને ટોક્યા હતા.

દિલ્હીના જશ્ન-એ-રેખતાના એક કાર્યક્રમમાં વહીદાજી જણાવે છે કે, " એ ગીતમાં મારી આંખોની લાલાશ સામે ફિલ્મ સેન્સર બોર્ડને વાંધો હતો અને તેમનું કહેવું હતું કે આ અત્યંત સેક્સી પ્રેઝન્ટેશન છે! આનું મૂળ કારણ એ હતું કે, પહેલા આ ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ શૂટ થઈ હતી પરંતુ જ્યારે રીલીઝ થવાનો સમય આવ્યો ત્યારે રંગીન ફિલ્મો બનવા લાગી હતી. આ એક ગીત કલરમાં શૂટ કર્યું અને એમાં લાઇટ્સ એટલી હાર્ડ રહેતી કે દરેક શૂટ પહેલા મારે આંખો ઉપર બરફ લગાવવો પડતો. જેને લીધે આંખો લાલ થઈ જતી. સેન્સર બોર્ડે વાંધો લીધો ત્યારે ગુરુ દત્તે એ દલીલ કરી કે આ સીન એક પતિ પત્ની વચ્ચેનો છે તો આમાં ખોટું શું છે? સેન્સર બોર્ડ માન્યું નહીં અને છેવટે ગુરુ દત્તે એ ગીતમાંથી બે શોટ્સ કાપી નાખવા પડ્યા! આજે એમાંથી કોઈ સેન્સર બોર્ડમાં હોત તો આજે જે પ્રકારની ફિલ્મો બને છે એ જોઈને બેહોશ થઈ જાત!"

વહિદા રહેમાનની વાતોમાં ગુરુદત્ત: વહીદા રહેમાન ગુરુદત્તની જ શોધ હતાં. ગુરુ દત્ત અને તેમની ટીમ સાથે પહેલી મુલાકાત વખતે સાવ સામાન્ય પરિધાનમાં સીધી સાદી મધ્યમવર્ગીય પરિવારની વહીદા રહેમાનથી કોઈ પ્રભાવિત નહોતું થયું. તામિલ ફિલ્મમાં તેમ નું નૃત્ય જોઈને ગુરુ દત્તને તેઓ ગમ્યા હતા. વહીદા રહેમાનનો ચહેરો તેમના માનસપટ ઉપરથી હટતો નહતો. છેવટે તેમણે વહીદા રહેમાનને મુંબઈ બોલાવ્યા.

વહીદા રહેમાન તેમની એક મુલાકાતમાં જણાવે છે કે, "મને એમ હતું કે મુંબઈમાં મારું "ઑડિશન" થશે, સ્ક્રીનટેસ્ટ લેવાશે, પણ એવું કશું જ ન થયું. મહાલક્ષ્મી ફેમસ સ્ટુડિયોમાં ગુરુ દત્ત ફિલ્મ્સની ઑફિસમાં એ દિવસે ગુરુ દત્તજી સાથે રાજ ખોસલા, પ્રોડક્શન ઇન ચાર્જ ગુરુમૂર્તિ, કૅમેરામેન વી. કે. મૂર્તિ હાજર હતા. એ લોકોએ અલગ-અલગ ઍન્ગલથી મારા "સ્ટિલ ફોટોગ્રાફ્સ" લીધા. થોડો વિચારવિમર્શ કર્યો અને મને કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા આપ્યો.

આ બધું આટલું ઝડપથી થશે એની અમને કલ્પના નહોતી. રાજ ખોસલાએ કહ્યું, "સૌથી પહેલું કામ એ કરવાનું કે તારે નામ બદલવું પડશે. વહીદા રહેમાન બહુ લાંબું છે અને આ નામ ફિલ્મો માટે ન ચાલે."

મેં કહ્યું, "આ નામ મારાં માબાપે પાડ્યું છે અને મને ગમે છે. હું એ નહીં બદલું."

સૌ એકમેકનો ચહેરો જોવા લાગ્યા. રાજ ખોસલા ગુસ્સે થઈને કહે, "તારું નામ શું છે? વહીદા રહેમાન. આટલું લાંબું નામ બોલશે કોણ? ખાલી વહીદા રાખવું પડશે. જો એ ન ફાવે તો બીજું કોઈ નામ રાખો."

"હું એ ‘દરેક’માંની એક નથી." મારો જવાબ સાંભળી સન્નાટો છવાઈ ગયો. મને ખબર નથી મારામાં આટલી હિંમત આવી ક્યાંથી? મેં કહ્યું, ‘મેં બે તામિલ અને બે તેલુગુ ફિલ્મો કરી છે અને મને નામ બદલવાની જરૂર નથી પડી."

રાજ ખોસલાના ચહેરા પર ગુસ્સા સાથે અણગમો દેખાતો હતો. તેમણે ગુરુ દત્તજી સામે જોયું. પૂરા વાર્તાલાપ દરમ્યાન તેઓ શાંતિથી બેઠા હતા. તેમણે કહ્યું, "આપણે કાલે શાંતિથી વાત કરીએ." બીજા દિવસે અમારી મીટિંગ થઈ. તેમણે કહ્યું કે મારે નામ બદલવાની જરૂર નથી. મારી ઉંમર હજી ૧૭ વર્ષની હતી એટલે મારાં મમ્મી કૉન્ટ્રૅક્ટ સાઇન કરવા જતાં હતાં ત્યાં મેં તેમને રોક્યાં અને કહ્યું, "હજી મારી એક શરત ઉમેરવી પડશે." આ સાંભળી રાજ ખોસલા બોલ્યા, "નવા કલાકાર કોઈ માગણીઓ નથી કરતા, સીધી સાઇન કરે છે."

મેં કહ્યું, "જે પોષાક મને નહીં ગમે એ હું નહીં પહેરું." આ સાંભળી ગુરુ દત્તજી ઊભા થઈ ગયા. મને લાગ્યું કે તેમણે હવે ધીરજ ગુમાવી લાગે છે. તેમને થતું હશે કે હજી ઊગીને ઊભી થાય છે પણ રુઆબ કેટલો છે? પણ એવું કૈં ન થયું. ધીમા અવાજે તેમણે કહ્યું, "અમે એવી ફિલ્મો બનાવતા જ નથી. તેં મારી એક પણ ફિલ્મ જોઈ છે?"

"ના."

"ઓકે. તમને ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ની ટિકિટ આપું છું. પહેલાં ફિલ્મ જોઈ આવો. આપણે કૉસ્ચ્યુમ વિશે પછી વાત કરીશું."

અમે સ્વસ્તિક થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં. ફિલ્મમાં કૉસ્ચ્યુમ વિશે ફરિયાદ કરવા જેવું કશું જ નહોતું. તેમ છતાં હું મારી માગણીમાં મક્કમ હતી. હવે રાજ ખોસલાથી રહેવાયું નહીં. તેમણે ગુરુ દત્તજીને કહ્યું, "હવે હદ થાય છે. આ છોકરી ગેરવાજબી વાત કરે છે અને તમે ચૂપચાપ સાંભળી લો છો? કેવો ડ્રેસ પહેરવો એ સીન પર આધાર રાખે છે, નહીં કે ઍક્ટ્રેસની મરજી પર."

હું મારી વાત પર મક્કમ હતી. મેં કહ્યું, "થોડાં વર્ષો બાદ કદાચ હું સ્વિમિંગ સૂટ પહેરવાની આનાકાની ન કરું પરંતુ અત્યારે તો હું ડ્રેસની બાબતમાં ચોક્કસ છું, કારણ કે હું શરમાળ છું."

રાજ ખોસલાએ પૂછ્યું હતું, "તું આટલી શરમાળ છે તો પછી તારે ફિલ્મોમાં શા માટે કામ કરવું છે?"

મેં જવાબ આપ્યો, "હું મારી મરજીથી અહીં નથી આવી, તમે બોલાવી એટલે આવી છું." આજે પણ હું આ ઘટના યાદ કરું છું ત્યારે મને થાય છે કે હું આટલી સ્પષ્ટવક્તા કેવી રીતે થઈ? એ દિવસે કોઈ નિર્ણય ન લેવાયો. બીજા દિવસે એ લોકોએ મારી શરત મંજૂર રાખી અને મમ્મીએ મારા વતી ‘ગુરુ દત્ત ફિલ્મ્સ’ સાથે ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો."

ફિલ્મ ‘સી.આઇ.ડી.’નું ડિરેક્શન રાજ ખોસલા જોતાં હતા. એ દરમિયાન ગુરુ દત્તે પોતાની આત્મકથનાત્મક શૉર્ટ સ્ટોરી ઉપરથી ફિલ્મ ‘કશમકશ’નું શૂટિંગ શરૂ કર્યું હતું. જે ફિલ્મ પાછળથી ‘પ્યાસા’નામથી રીલીઝ થઈ હતી. ‘સી.આઇ.ડી’માં વહિદાની ભૂમિકા નાની હતી પરંતુ ‘પ્યાસા’માં માલા સિંહા સાથે તેમની ભૂમિકા મજબૂત હતી. એ દિવસોમાં બંને ફિલ્મોનું શૂટિંગ કારદાર સ્ટુડિયોમાં અલગ-અલગ ફ્લોર પર કરવામાં આવતું.

વહીદા રહેમાન પ્રત્યે ગુરુ દત્તને એક અકળ આકર્ષણ થઈ રહ્યું હતું. એક અભિનેત્રી તરીકે તેઓ કેટલા સફળ નીવડશે એ વિષે અજાણ છતાં, તેમની ‘સિક્સ્થ સેન્સ’કહેતી હતી કે વહીદાની અભિવ્યક્તિ અલગ પ્રકારની છે. વહીદા રહેમાનની કામ પ્રત્યેની ‘સ્પષ્ટતા’અને ‘ઍટિટ્યુડ’થી ગુરુદત્ત ખૂબ ભાવિત થયા. સાઉથ ઇન્ડિયાની એક નવોદિત યુવતી મુંબઈમાં કોઈ પણ જાતનું સમાધાન કર્યા વિના, પોતાની ટર્મ્સ ઉપર કામ કરવા માટે પ્રતિબદ્ધ છે એ જાણ્યા પછી વહીદા રહેમાન માટે તેમને માન થઈ ગયું હતું.

વહીદાના જણાવ્યા અનુસાર, ‘પ્યાસા’માં મારું પહેલા દિવસનું કામ ખૂબ જ નિરાશાજનક હતું. સહુ એમ કહેતા કે હું આ પાત્ર માટે યોગ્ય નથી અને અભિનેત્રી તરીકે મારું કોઈ ભવિષ્ય નથી. વધુમાં હું બહુ અઘરી અને જિદ્દી પણ ખરી. હું આ નહીં પહેરું ને તે નહીં પહેરું, મારું આવું રટણ ચાલુ રહેતું પણ ગુરુ દત્તજીને મારા પર ભરોસો હતો. તેમના વિશ્વાસ વગર હું આજે જ્યાં છું ત્યાં ન પહોંચી શકી હોત. સૌ મારા માટે નકારાત્મક ચર્ચાઓ કરતાં ત્યારે દત્તજી એટલું જ કહેતા કે , "ધીરજ રાખો."

"મારું શૂટિંગ ન હોય ત્યારે તેઓ મને કહેતા કે તમે સેટ પર આવો અને અમે કેવી રીતે કામ કરીએ છીએ એ ધ્યાનથી જુઓ. એક દિવસ શૂટિંગ દરમિયાન એક સિનિયર આર્ટિસ્ટની ભૂલ થઈ અને તેમણે મગજ ગુમાવીને એને ધમકાવી નાખ્યો." શૂટિંગ પૂરું થયું એટલે મેં તેમને કહ્યું, "મારા પર કોઈ દિવસ આવી રીતે ગુસ્સો ના કરતા નહીંતર હું ફિલ્મ છોડી દઇશ. મારામાં આવી સહનશક્તિ નથી."

ગુરુ દત્ત ત્યારે સહુના બૉસ હતા. તેમની સામે આ લહેકામાં વાત કરવાની કોઈમાં ય હિંમત નહોતી. તેઓ શાંતિથી બોલ્યા, "તું ચિંતા ન કર. મેં તને કહ્યુંને કે હું કોઈ દિવસ તારા ઉપર ગુસ્સો નહીં કરું."

મેં એમને કહ્યું કે, "મને અભિનય નથી આવડતો. તમે મને શીખવો. તમે જેમ કહેશો એમ કરવાની હું પૂરતી કોશિશ કરીશ, પણ તમે મારા ઉપર ક્યારેય ગુસ્સો ના કરતા."

કાંઈ પણ કહ્યા વિના ગુરુ દત્ત ચૂપચાપ વહીદા રહેમાન સામે જોતા રહ્યા. મૌનની ભાષા શબ્દો કરતાં વધુ બોલકી હોય છે. શબ્દો અર્થને સીમિત કરી નાખે છે. અવ્યક્ત અભિવ્યક્તિનો એહસાસ સચોટ હોય છે. ગુરુ દત્તની મૂક સંમતિ એ કદાચ તેમના પ્રેમનો પહેલો એકરાર હતો જેની તેમને પણ ખબર નહોતી.

'સાહબ બીવી ઔર ગુલામ':'સાહબ, બીવી ઔર ગુલામ'ની પૃષ્ઠભૂમિ એ બંગાળમાં જમીનદારોની જમીનદારી જ્યારે પૂરી થઈ રહી હતી એ સમયગાળાને વર્ણવતી હતી. જમીનદારોની ઐયાશી અને તેમની સ્ત્રીઓની દશાનું વર્ણન કરતી એ ફિલ્મમાં તેઓનની ભૂતનાથની ભૂમિકા અને છોટી બહુ સાથેનો તેમનો સંબંધ અને તેમની એક દિગ્દર્શક તરીકેની સ્ક્રીન લેંગ્વેજ એ ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં વ્યક્ત થાય છે.

બાળપણ અને કારકિર્દી:ગુરૂદત્તનો જન્મ કર્ણાટકમાં થયો હતો પરંતુ તેમનું બાળપણ કોલકાતામાં વીત્યું હતું. તેમને હિન્દી સિનેમાની લાઈફલાઈન કહેવામાં આવે છે. અભિનયની સાથે તેમણે લેખન, દિગ્દર્શન અને કોરિયોગ્રાફી પણ કરી હતી. પોતાની ફિલ્મ કારકિર્દીમાં તેમણે પ્યાસા, બાઝી, બાઝ, આરપાર, સીઆઈડી, કાગઝ કે ફુલ, ચૌદવી કા ચાંદ, સાહિબ બીવી ઔર ગુલામ, બહારેં ફિર આયેંગી, શિકાર, ચંદા ઔર બિજલી, બિંદીયા ચમકેંગી જેવી શાનદાર ફિલ્મો આપી. જોકે, સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન ગુરૂદત્તને જીવનમાં બધું મળ્યું પણ તેઓ પ્રેમના મામલામાં 'પ્યાસા" રહ્યા. લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખર ઉપર તેઓ એકલા હતા. તેમના જીવનની અંતિમ ક્ષણોમાં પણ તેઓ એકલા હતા.

પ્રેમ અને લગ્ન: ગુરુ દત્તને પોતાના જમાનામાં પ્રખ્યાત ગાયિકા ગીતા દત્ત સાથે પ્રેમ થયો હતો. એ જમાનામાં ગીતાજીના ઘરે ડિરેક્ટરોની કતાર લાગતી હતી. તેઓ કોઈ પરિચયના મોહતાજ નહોતા. ગુરુ દત્ત સાથે તેની પહેલી મુલાકાત ફિલ્મ 'બાજી' દરમિયાન થઈ હતી. તેમણે આ ફિલ્મ માટે એક ગીત ગાયું હતું. 'બાજી'ના સેટ ઉપર તેઓને પ્રેમ થયો. બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા. તેઓ ત્રણ બાળકોના મોટા-પિતા બન્યા.

અંગત જિંદગી ડામાડોળ: ગીતા દત્ત સાથે ગુરુ દત્તનું જીવન સારું ચાલી રહ્યું હતું. ત્યારબાદ તેમની વચ્ચે વિવાદ શરૂ થયો. લગ્નના 4 વર્ષ બાદ તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું. બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને તેમનો સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયો. વહિદા રહેમાન સાથેની ગુરુદત્તની નિકટતા આનું કારણ બની હતી.

ગુરુદત્ત અત્યંત સેન્સિટિવ અને પઝેસિવ:ગુરુદત્તે વહિદાજીને ફિલ્મ 'CID'થી લોન્ચ કર્યા હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. તેમની નિકટતાના કિસ્સા જગજાહેર છે. કમનસીબે તેઓ ક્યારેય સાથે ન રહી શક્યા. ગુરુદત્તની જીદ અને પ્રેમમાં પઝેસિવ હોવાના કારણે વહીદા રહેમાને પણ તેનાથી દૂરી કરી લીધી હતી. ગુરુ દત્ત તેમના જીવનમાં સાવ એકલા પડી ગયા. જ્યારે ગીતાને ગુરુ દત્ત અને વહીદા વચ્ચેની નિકટતા વિશે ખબર પડી ત્યારે તેઓ પણ તેમનાથી દૂર જતાં રહ્યા.

અબ્રાર અલવી અને ગુરુદત્તની છેલ્લી મુલાકાત:10 વર્ષ તેમની સાથે સતત કામ કરનાર લેખક અબ્રાર અલવીએ લખેલા પુસ્તક "ગુરુ દત્ત કે સાથ દસ સાલ"માં ઉલ્લેખ કર્યો છે કે . 9 ઓક્ટોબર 1964ની "એ સાંજે જ્યારે હું દત્તને છેલ્લીવાર મળ્યો હતો. એ સાંજે ગુરુદત્તે મને આગ્રહ કર્યો હતો કે હું તેમની સાથે રોકાઉં પરંતુ મારી ફિલ્મનું લેખન ચાલુ હતું. અમારી વચ્ચે ફિલ્મને લઈને ચર્ચાઓ થઈ હતી અને મારે એ ડેડલાઇનમાં લેખન પૂર્ણ કરવાનું હતું એટલે એ રાત્રે મારે ખૂબ કામ હતું. મને કલ્પના નહોતી કે એ બીજા દિવસની સવારે મને જીવતા નહીં મળે."

10 ઓક્ટોબરની સવારે ગુરુ દત્ત અડધી વાંચેલી નવલકથા સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતાં. દરવાજો તોડીને તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમની છેલ્લી ફિલ્મ 'બહારે ફિર ભી આયેંગી' હતી, જે ધર્મેન્દ્રએ પૂરી કરી હતી.

Last Updated : Jul 9, 2024, 11:59 PM IST

ABOUT THE AUTHOR

...view details