જુનાગઢ: ઇકો ઝોન (Eeco zone) ના નવા સંભવિત કાયદાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતા જ Eeco zone નીચે આવતા જુનાગઢ, સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં સંભવિત નવા કાયદાની વિરુદ્ધમાં ભારે લોક જુવાળ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે તાલાળા ખાતે ખેડૂતોની એક બેઠક મળી હતી ત્યારે આજે તાલાલા નજીક માધવપુર ગામમાં પણ Eeco zone કાયદા અંતર્ગત આવતા ગામોના સરપંચો ગામ લોકો અને ખેડૂતોના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસે પણ તેમને સમર્થન આપીને આ વિસ્તારમાં લાગુ થવા જઈ રહેલા નવા કાયદાને લઈને તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
Eeco ઝોનના કાયદાનો વિરોધ માધુપુરમાં મળી બેઠક
કેન્દ્ર સરકાર દ્વારા ગીરના વિવિધ વિસ્તારના જુનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકો ઝોનનો નવો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે. જેનું પ્રાથમિક જાહેરનામા પ્રસિદ્ધ થતા જ ખેડૂતો અને ગામ લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નવું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ મોટાભાગની ગ્રામ પંચાયતોએ પણ સંભવિત અને સૂચિત નવા કાયદાના વિરોધમાં ઠરાવો પણ કરીને કાયદાનો વિરોધ કર્યો હતો. બે દિવસ પૂર્વે તાલાલા ખાતે પણ ખેડૂત પ્રતિનિધિઓની બેઠક મળી હતી. જેમાં પણ કાયદાના વિરોધમાં શુર ઉઠ્યો હતો ત્યારે આજે તાલાલા નજીક માધુપુર ગામમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો ગામ લોકો અને સરપંચના પ્રતિનિધિઓનું એક સંમેલન મળ્યું હતું. જેમાં આ વિસ્તારના કોંગ્રેસી આગેવાનો પણ જોડાયા હતા અને ખેડૂતો જે રીતે કાયદાનો વિરોધ કરી રહ્યા છે તેને લગતી પોતાની માંગ સાથે કોંગ્રેસે તેમનું સમર્થન આપીને ઇકો ઝોન કાયદાની વિરુદ્ધમાં ખેડૂતો અને ગામ લોકોને લડાઈમાં કોંગ્રેસ તેમનો સહકાર આપશે તેવું આશ્વાસન ખેડૂતો અને ગામ લોકોને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
ઈકો ઝોન ખેડૂતો માટે નુકસાનકારક હોવાની વાત
લોકો દ્વારા કરાઈ રહેલા વિરોધ દરમિયાન જણાવાયું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 2 km થી લઈને જંગલ વિસ્તારના 8 કિલોમીટર સુધી સંભવિત ઇકો ઝોનનો કાયદો લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેને ખેડૂતો એકમાત્ર નુકસાનકારક માની રહ્યા છે, જે રીતે કાયદાની અમલવારી શરૂ થતા જ ઇકોઝનમાં આવતી તમામ ગ્રામ પંચાયતોમાં પંચાયતી રાજ ખતમ થઈ જવાની ચિંતા પણ ગામ લોકોને સતાવી રહી છે. અત્યાર સુધી સ્વતંત્ર અધિકારો ધરાવતી ગ્રામ પંચાયતનો કાયદો લાગુ થવાથી વન વિભાગના કાયદા તળે આવી જશે, ગ્રામ પંચાયતની સ્વતંત્રતા છીનવાઈ જશે અને જંગલના કાયદા મુજબ ગ્રામ પંચાયતોનું સંચાલન થશે. તેની સૌથી મોટી ચિંતા ખેડૂતો અને ગામ લોકોને સતાવી રહી છે, જેને કારણે તેઓ ઇકો ઝોનના સંભવિત નવા કાયદાનો વિરોધ પણ કરી રહ્યા છે.
સામાન્ય કામો માટે વન વિભાગની મંજુરી આવશ્યક
આ વિરોધ પ્રદર્શનો દરમિયાન જણાવાયું છે કે, સંભવિત નવો કાયદો લાગુ થતા જ ગ્રામ પંચાયતોના સામાન્ય કામો માટે પણ વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક બની જશે. વધુમાં ગામડાઓમાં ખેતી લક્ષી કામો પણ ખેડૂતો ખૂબ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં કરી શકશે, જેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. ખેતર વિસ્તારમાં કોઈ કામકાજ કરવા માટે વાહનની અવર જવર કરતા પૂર્વે વન વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી પડશે. વધુમાં આ વિસ્તારમાં ખેડૂતો કે ગામ લોકો દ્વારા કોઈપણ કામ કરવામાં આવે તો તેમાં વન વિભાગની આજે પણ કનડગત છે. આવી પરિસ્થિતિમાં જો કાયદાનું હથિયાર વન વિભાગને મળી જાય તો જે વિસ્તારમાં ઇકો ઝોનનો કાયદો લાગુ થવા જઈ રહ્યો છે તે વિસ્તારના ગામ લોકો ગામડાઓ અને ખેડૂતો પડી ભાંગશે. જેનો સૌથી મોટો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. જેને કારણે તેઓ ન માત્ર કાયદાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેઓ ઈકો ઝોનનો કાયદો આ વિસ્તારમાં જોઈતો જ નથી એવો આકરો પ્રતિભાવ પણ આપી રહ્યા છે.