હૈદરાબાદ:અભિનેતા અલ્લુ અર્જુને શુક્રવારે હૈદરાબાદના એક થિયેટરમાં 'પુષ્પા 2'ના પ્રીમિયર શોમાં અચાનક સરપ્રાઇઝ એન્ટ્રી આપી હતી. જે બાદ ભીડ બેકાબૂ થતાં ભીડમાં ઉપસ્થિત મહિલાની ગૂંગળામણથી મૃત્યુ થઈ હતી. જે માટે અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં, 42 વર્ષીય અભિનેતાએ કહ્યું કે, તે શોકગ્રસ્ત પરિવારને આશ્વાસન આપવા માંગે છે કે તેઓ આ દુઃખદાયક પરિસ્થિતિમાં એકલા નથી અને તે પરિવારને રૂબરૂ મળશે.
તમને જણાવી દઈએ કે, અભિનેતા અલ્લુ અર્જુનની તાજેતરની ફિલ્મના પ્રીમિયર શો દરમિયાન અહીંના મૂવી થિયેટરમાં ભીડ વચ્ચે થયેલી ઝપાઝપીને કારણે બુધવારે 35 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું અને તેના પુત્રને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ચાહકો સંધ્યા થિયેટરમાં અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.
અલ્લુ અર્જુને એક વિડીઓમાં તેની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, "અમે ભલે ગમે તે કરીએ આ નુકસાન ક્યારેય ભરપાઈ કરી શકાશે નહીં. અમારા તરફથી, અમે કહેવા માંગીએ છીએ કે અમે ભાવનાત્મક રીતે તમારી સાથે છીએ. તમને ગમે તે મદદની જરૂર હોય, અમે તમારી સાથે છીએ અને ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે સદ્ભાવના રૂપે 25 લાખ રૂપિયાની રકમ આપવા માંગુ છું, જો તેમને કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય, તો હું હંમેશા તેમના માટે હાજર રહીશ." તેણે વધુમાં કહ્યું કે, તે છોકરાનો તબીબી ખર્ચ ઉઠાવશે, જે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અર્જુને વધુમાં કહ્યું કે, તેને આ "દુ:ખદ ઘટના" વિશે બીજા દિવસે જ ખબર પડી અને ફિલ્મની આખી ટીમઆ ઘટના જાણ્યા બાદ દુઃખી થઈ ગઈ હતી.
તમને જણાવી દઈ કે, મૃતકના પરિવારની ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 118 (1) હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
અર્જુને એક પોસ્ટમાં કહ્યું કે,"સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. હું આ અકલ્પનીય મુશ્કેલ સમયે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ તેમના દુઃખમાં એકલા નથી અને હું તેમના પરિવાર સાથે રૂબરૂ મળીશ. તેઓ આ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે હું તેમને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું."