મુંબઈ :આજે 15 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. દિવસ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 227 અને 70 પોઈન્ટ વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બજારમાં સૌથી વધુ તેજી ઓટો, PSU બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે બેંક, નાણાકીય સેવાઓ, FMCG અને ખાનગી બેંક સેક્ટરમાં વેચવાલી રહી હતી.
BSE Sensex : આજે 15 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 71,822 બંધની સામે 239 પોઈન્ટ વધીને 72,061 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતારચડાવ વચ્ચે સેનસેક્સ 72,164 પોઈન્ટની ડે હાઈ બનાવી અને 71,644 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 227 પોઈન્ટ વધીને 72,050 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.32 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 70 પોઈન્ટના (0.32%) વધારા સાથે 21,910 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 66 પોઈન્ટના વધારા સાથે 21,906 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે NSE Nifty 21,953 પોઈન્ટની ડે હાઈ બનાવી તથા સતત વેચવાલીના પગલે ગગડીને 21,794 સુધી ડાઉન ગયો હતો.