અમદાવાદ :દેશમાં દર વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં સૌથી પ્રચલિત બનતો શબ્દ બજેટ છે. બજેટને દેશમાં અંદાજપત્ર તરીકે પણ ઓળખાય છે. જે સરકારની આવક-જાવક, ખર્ચ કરવાની અને પ્રાથમિકતા નક્કી કરવાની નીતિને દર્શાવે છે. બજેટ એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ ચામડાની થેલી થાય છે.
આપણા દેશના બંધારણમાં શું છે બજેટને લઈને ઉલ્લેખ :દેશના બંધારણમાં બજેટ શબ્દનો સંદર્ભ કે ઉલ્લેખ નથી. દેશના બંધારણની કલમ-112માં વાર્ષિક નાણાકીય નિવેદનનો ઉલ્લેખ છે. કલમ-112 મુજબ ચૂંટાયેલી સરકાર દર વર્ષે પોતાની આવક અને સામે કરવામાં આવતા ખર્ચનો હિસાબ અનિવાર્યપણે આપવો પડે છે. આ પ્રક્રિયાને બજેટ રજૂ કરવાનું કહી શકાય છે. આપણાં દેશમાં બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે, પણ રાષ્ટ્રપતિ બજેટ રજૂ કરી શકતા નથી. તેઓ કેન્દ્રીય મંત્રીને બજેટ રજૂ કરવા કહે છે. દેશના નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે.
બજેટમાં શું હોય છે :બજેટ બે ભાગમાં રજૂ થાય છે. પ્રથમ ભાગમાં આર્થિક સર્વે અને નીતિ નિયમો હોય છે. બજેટના બીજા ભાગમાં આયોજિત વિકાસના મુદ્દા, સરકારની કામગીરી, લક્ષાંકો અને નવી પહેલ સાથે સીધા અને પરોક્ષ કરવેરાની વિગતો હોય છે. બીજા ભાગમાં સરકારની આવક-જાવકના આંકડા, કરવેરાની વિગતો રજૂ થાય છે.
બજેટ બનવાનો આરંભ ક્યારે થાય છે :સામાન્ય રીતે બજેટએ દેશની આવક-જાવકના પત્રક તરીકે લોકો જુએ છે. પણ બજેટ એ કોઈ પણ સરકારનો આર્થિક, સામાજિક દસ્તાવેજ છે. જે સરકારની વિકાસનીતિ અને સરકારની લાંબાગાળાની નીતિઓને રજૂ કરતો મહત્વનો આર્થક દસ્તાવેજ છે. ફેબ્રુઆરીમાં રજૂ થતા બજેટના નિર્માણની પ્રક્રિયા સમય માંગી લે એવી છે. સામાન્ય રીતે કેન્દ્રીય બજેટના નિર્માણની પ્રક્રિયા સપ્ટેમ્બર માસથી આરંભાય છે. બજેટના નિર્માણમાં દેશના નાણા મંત્રાલય, નીતિ આયોગ અને અન્ય મંત્રાલયો સાથે ચર્ચા કરાય છે અને તેમની વિશેષ માંગોને ધ્યાને લેવામાં આવે છે. બજેટ નાણામંત્રી રજૂ કરે ત્યાર બાદ સંસદના લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાં 1, એપ્રિલ પહેલા પસાર કરાવવું આવશ્યક છે.
બજેટ નિર્માણનો પહેલો તબક્કો :સામાન્ય રીતે નાણાકીય વર્ષના બે ક્વાર્ટરની સમાપ્તિ બાદ એટલે કે સપ્ટેમ્બર માસના આરંભે કેન્દ્રીય બજેટ નિર્માણનો આરંભ થાય છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અગામી નાણાકીય વર્ષ માટે તેમની નાણાકીય આવશ્યકતાની પ્રાથમિકતાને રજૂ કરવા માટે પરિપત્ર પાઠવે છે. નાણા મંત્રાલયના પરિપત્રના પ્રતિભાવ તરીકે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમની માંગણીઓ અને ગત વર્ષના આવક-જાવકની અહેવાલ અને વિગતો આપે છે.
બજેટ નિર્માણનો બિજો તબક્કો : બજેટ નિર્માણના દ્વિતીય તબક્કામાં નાણા મંત્રાલયને પ્રાપ્ત વિગતો, નાણાકીય દરખાસ્તોની ખરાઈ થયા બાદ નાણાં મંત્રાલયમાં મોકલાય છે. નાણા મંત્રાલયને વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી પ્રાપ્ત દરખાસ્તોનું વિશ્લેષણ થાય છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ મોકલેલ વિગતો, કરેલ ખર્ચ, અપેક્ષિત માંગણીઓ અંગે જે-તે વિભાગ સાથે ચર્ચા કરી તમામ માંગણી, અપેક્ષા અને પ્રાથમિકતાને અંતે અપેક્ષિત નાણાકીય જોગવાઇ સાથે નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે.
બજેટ નિર્માણનો ત્રિજો તબક્કો :ત્રીજા તબક્કામાં આવક-ખર્ચનો પ્રાથમિક અંદાજ નક્કી થાય છે. નાણાં મંત્રાલયમાં પ્રાપ્ત રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યો, વિવિધ મંત્રાલયોની અપેક્ષા, કરેલ ખર્ચ અને નવા નાણાકીય વર્ષમાં નાણાની માંગણીઓને ધ્યાને રાખી આવક-ખર્ચનો અંદાજ નક્કી કરાય છે. જે બજેટની જે-તે વિભાગને નાણાકીય ફાળવણી માટે સહાયક બને છે. આ સાથે સરકારને વધારાની આવક મેળવવા શું કરવું, ખર્ચ ઘટાડા માટેના કેવા પગલાં લેવા એ અંગેની મહત્વનું દિશા સૂચન આપે છે.
બજેટ નિર્માણનો ચોથો તબક્કો :ચોથા તબક્કામાં વડાપ્રધાન અથવા કેન્દ્રીય કેબિનેટ સાથે ચર્ચા થાય છે. નાણા મંત્રાલયને પ્રાપ્ત વિવિધ દરખાસ્તો, આવક-ખર્ચના અંદાજો, વિવિધ મંત્રાલયો-રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની નાણાકીય માંગ અંગે નિર્ણય લેવા કેન્દ્રીય કેબિનેટ અથવા વડાપ્રધાન સાથે ચર્ચા કરાય છે. આ ચર્ચામાં લેવાતા નીતિગત નિર્ણયો બજેટ નિર્માણ અને નાણાકીય ફાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બજેટ નિર્માણનો પાંચમો તબક્કો :પાંચમા તબક્કામાં બજેટ પહેલાની પ્રિ-બજેટ બેઠકો મહત્વની બની રહે છે. નાણા મંત્રાલયની વિવિધ સ્તરે નીતિગત બાબતોની ચર્ચા બાદ વિવિધ સંસ્થાઓ, નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ સહિત વિવિધ હિતજૂથો સાથે દેશની આર્થિક, સામાજિક, રાજકીય, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને લક્ષમાં રાખીને અગામી નાણાકીય વર્ષ અંગેની પ્રાથમિકતાને નક્કી કરવા, બજેટની દિશા, કદ અને પ્રાથમિકતાને નક્કી કરવા પ્રિ-બજેટ બેઠકો યોજાય છે. આ બેઠકોમાં વિવિધ રાજ્યોના પ્રતિનિધિ, અર્થશાસ્ત્રીઓ, બૌદ્દિકો, ઉદ્યોગ ક્ષેત્રના તજજ્ઞો, ખેડૂત આગેવાનો, વિવિધ યુનિયન, બેંકર્સ જોડાય છે. સામાન્ય રીત પ્રિ-બજેટ બેઠકો નવેમ્બર મહિનામાં યોજાતી હોય છે.
અંતિમ બજેટ નિર્માણ :પ્રિ-બજેટ મિટિંગો સાથે દેશની પ્રાથમિકતા, વૈશ્વિક સ્થિતિ અને સરકારની નીતિઓને ધ્યાને લઈને બજેટનું અંતિમ સ્વરૂપ નક્કી થાય છે. આ તબક્કામાં નાણા વિભાગના કર્મચારી પરંપરાગત રીતે હલવા સેરેમની પણ યોજે છે. જેમાં નાણા મંત્રાલયને તમામ કર્મચારી અને ટીમને હલવો બનાવી પીરસાય છે. હલવા સેરેમની બાદ નાણા વિભાગના કર્મચારીઓને કામના સ્થળે જ રાખવામાં આવે છે. બજેટ રજૂ થયા બાદ આ કર્મચારીઓ મૂક્ત થાય છે.
નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે :દેશના નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે. 2017 બાદ નાણામંત્રી 1, ફેબ્રુઆરીના દિવસે લોકસભામાં બજેટ રજૂ કરે છે. પહેલાં નાણામંત્રીઓ લાલ બ્રિફકેસમાં બજેટ લાવતા અને લોકસભામાં તે રજૂ થતું. પણ 2021તી બજેટ પેપરલેસ બન્યું છે.
- Budget 2024-25 : કેન્દ્ર અને રાજ્ય સરકારના અંજાદપત્રથી જૂનાગઢના વેપારીઓ-ઉદ્યોગપતિઓની શું છે આશા-અપેક્ષા ?
- Budget 2024-25: અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ આગામી બજેટ અને ગત વર્ષના બજેટની વિચક્ષણ સમીક્ષા