નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ભવિષ્ય નિધિની થાપણો પર વ્યાજ દર નક્કી કરવામાં આવશે. જો કે મીટિંગનો સત્તાવાર એજન્ડા હજુ સુધી શેર કરવામાં આવ્યો નથી, મીડિયા અહેવાલો સૂચવે છે કે, વર્તમાન નાણાકીય વર્ષ માટે વ્યાજ દરને અંતિમ રૂપ આપવાને બેઠકમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
બિઝનેસ ટુડેએએક સત્તાવાર સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, CBTની 237 મી બેઠક 28 ફેબ્રુઆરીએ યોજાશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીના નેતૃત્વમાં CBT એ EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. તેમાં એમ્પ્લોયર્સ એસોસિએશન, ટ્રેડ યુનિયન, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે કયા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા હતા? તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2023-24 માટે, EPFOએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પર 8.25 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો, જે 2022-23માં 8.15 ટકાથી વધુ છે. જોકે વ્યાજદરમાં વધુ વધારો કરવામાં આવશે કે યથાવત રહેશે તે આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે.
બેઠકનો મહત્વનો નિર્ણય:છેલ્લી CBT મીટિંગ 30 નવેમ્બર 2024 ના રોજ યોજાઈ હતી. જેમાં પીએફ સેટલમેન્ટ પર વ્યાજની ચુકવણી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના કારણે નિર્ણય પહેલા 25 મીથી મહિનાના અંત સુધી વ્યાજના દાવાની પ્રક્રિયા કરવામાં આવી ન હતી, જેના કારણે સભ્યોને વ્યાજની ખોટ પડી હતી. મહત્વની બાબત એ છે કે, નવો નિયમ સુનિશ્ચિત કરે છે કે, પતાવટની તારીખ સુધી વ્યાજ ચૂકવવામાં આવશે.
EPF સભ્યોની સંખ્યામાં વધારો:EPFOના 2023-24ના વાર્ષિક અહેવાલ મુજબ, યોગદાન આપતી સંસ્થાઓની સંખ્યા 2022-23માં 7.18 લાખથી 6.6 % વધીને 7.66 લાખ થઈ છે. સક્રિય EPF સભ્યોની સંખ્યામાં પણ 7.6 % ની વૃદ્ધિ જોવા મળી હતી, જે 2022-23માં 6.85 કરોડથી વધીને 2023-24માં 7.37 કરોડ થઈ હતી. આ અહેવાલને છેલ્લી સીબીટી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
આમ, વધુને વધુ લોકો EPFમાં યોગદાન આપી રહ્યા છે અને વધુ વળતરની અપેક્ષા રાખી રહ્યા છે, પરિણામે આગામી મીટિંગમાં વ્યાજ દરના નિર્ણય પર નજીકથી નજર રાખવામાં આવશે. કારણ કે લાખો કર્મચારીઓ તેમની લાંબા ગાળાની બચત માટે આ થાપણો પર આધાર રાખે છે.
આ પણ વાંચો:
- EPFOમાં નોકરીની તક, લેખિત પરીક્ષા વગર જ થશે પસંદગી, જાણો કેટલો મળશે પગાર ?
- EPF એકાઉન્ટને કેવી રીતે ટ્રાન્સફર કરવું, જાણો સરળ રીત