ગાંધીનગર: રાજ્ય સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,67,800થી વધુ લાભાર્થીઓને રૂ. 01 લાખ લેખે આશરે રૂ. 1,565 કરોડથી વધુનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે ૦6 ટકા વ્યાજ સહાય પેટે રૂ. 154 કરોડ તેમજ 02 થી 04 ટકા ઇન્સેન્ટીવના રૂ. 49 કરોડ મળી કુલ રૂ. 203 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ રૂ. 2.20 લાખ લેખે અત્યાર સુધીમાં આશરે ૩૮,૪૮૮ લાભાર્થીઓને રૂ. 941 કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. જેની સામે 04 ટકા વ્યાજ સહાય પેટે રૂ. 62 કરોડ તેમજ 02 થી 04 ટકા ઇન્સેન્ટીવના રૂ. 21 કરોડ મળી કુલ રૂ. 84 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર ખેડૂતો દ્વારા બનાવવામાં આવતા ગોડાઉન ઉપર ગોડાઉન બાંધકામના 25 ટકા મુજબ મહત્તમ રૂ. પાંચ લાખની મર્યાદામાં કેપીટલ સબસીડીની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 2,500 ખેડૂત લાભાર્થીઓને રૂ. 32.91 કરોડની સહાય આપવામાં આવી છે. આ ગોડાઉનના બાંધકામથી ખેડૂતોની પાક સંગ્રહની કરવાની ક્ષમતામાં 2,36,000 મેટ્રીક ટનનો વધારો થયો છે, જે રાજ્ય સરકારની સિદ્ધિ છે. સહકાર ક્ષેત્રે ગુજરાત સરકારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમજ આગામી સમયમાં પણ રાજ્ય સરકાર સહકારીતાને પ્રવૃત્તિને વેગ આપીને અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનશે. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકારના અંદાજપત્રમાં સહકાર ક્ષેત્રના વિકાસ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ગુજરાત સરકારે સહકાર પ્રવૃત્તિથી સમૃદ્ધિ તરફ આગળ વધવા અનેકવિધ પ્રયાસો પણ હાથ ધર્યા છે.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શું છે? આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ગુજરાત સરકારની એવી એક યોજના છે, જેમાં ગુજરાતના વ્યાપારીઓ, વ્યાપારિક સંસ્થાઓ, કૃષિકો, સ્વરોજગારીઓ, માનવ સંસાધન વ્યવસ્થાપકો, સામાજિક સંસથાઓ, સામુદાયિક સંસ્થાઓ, અને અન્ય વિવિધ વર્ગના લોકોને સરકાર દ્વારા લોન પેટે સહાય પ્રદાન કરવામાં આવે છે. આ યોજના તારીખ 21 મે 2020ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી.