નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. આ મેળામાં પુણ્યનું ભાથું બાંધવા દેશભરમાંથી સાધુ, સંતો અને મહંતો પધાર્યા છે, જેમાં કેટલાં સાધુ-બાબાઓની ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે, તેમાંથી જ એક છે. IIT બાબા. ચર્ચાના કેન્દ્રમાં છવાયેલા આ IIT બાબાનું સાચું નામ અભય સિંહ છે. તેઓ મૂળ હરિયાણાના હિસારના છે. તેમણે આઈઆઈટી મુંબઈમાંથી એરોસ્પેસમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો અને સંસારીક જીવનનો ત્યાગ કર્યો.
પ્રયાગરાજ મહાકુંભમાં તેઓ જુના અખાડા વતી આવ્યા છે. જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ અખાડા સાથે સંબંધ ધરાવે છે, તો તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ મુક્ત છે અને માત્ર મહાકુંભ જોવા, સમજવા અને અનુભવ કરવા માટે આવ્યા છે.
અભય સિંહ પોતાને કોઈ ઋષિ, સંત કે મહંત માનતા નથી. તેમણે કહ્યું કે તેમણે હજી સુધી દીક્ષા લીધી નથી અને તે પોતાને કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલ નથી માનતા. એક ચેનલ સાથે વાત કરતા અભય સિંહે કહ્યું કે તે સ્વતંત્ર છે અને કંઈ પણ કરી શકે છે.
પોતાના ભૂતકાળ વિશે તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ IITમાં ભણતા હતા ત્યારે તેના મનમાં વારંવાર એ સવાલ આવતો હતો કે આ પછી હું શું કરીશ. વધુમાં વધુ, હું કોઈ કંપનીમાં જોડાઈશ અને પૈસા કમાઈશ, પણ તેનાથી મને શાંતિ તો નહીં મળી શકે.
તેમણે ANI મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મેં જીવનની ખોજ શરૂ કરી, સંસ્કૃત કોણે લખ્યું, તે કેવી રીતે લખાયું અને ક્યારે રચાયું અને શા માટે સંસ્કૃત આટલી વિશેષ છે... હું જ્ઞાનની શોધ કરી રહ્યો હતો... બાદમાં તે બદલાઈ ગયું... પછી પ્રશ્ન એ હતો કે મન કેવી રીતે કાર્ય કરે છે અને તમે અનિચ્છનીય વિચારોથી કેવી રીતે છુટકારો મેળવી શકો..."