નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે જ ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ મતગણતરી ચાલી રહી છે. યુપીમાં જ્યાં ચૂંટણી યોજાઈ હતી તેમાં ગાઝિયાબાદ, કરહાલ, કટેહારી, ખેર, કુંડારકી, મઝવાન, મીરાપુર, ફુલપુર અને શીશામાઉનો સમાવેશ થાય છે.
આ દરમિયાન કુંડારકી સીટ પર ભાજપના ઉમેદવાર ઠાકુર રામવીર સિંહ જીત તરફ આગળ વધી રહ્યા છે. કુંડારકીમાં 32માંથી 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઠાકુર રામવીર સિંહે જોરદાર લીડ જાળવી રાખી છે. તેમને બપોરે 2 વાગ્યા સુધીમાં 111,470 વોટ મળ્યા છે. જ્યારે સપાના ઉમેદવાર મોહમ્મદ રિઝવાનને માત્ર 12933 વોટ મળ્યા છે. હાલમાં રામવીર સિંહ 98 હજારથી વધુ મતોથી આગળ છે.
60 ટકા મુસ્લિમ વસ્તી
ઉલ્લેખનીય છે કે કુંડારકી સીટ પર 60 ટકા મુસ્લિમ વસ્તી છે. આ જ કારણ છે કે આ બેઠક માટે ચૂંટણી લડી રહેલા કુલ 12 ઉમેદવારોમાંથી 11 મુસ્લિમ છે. અહીંથી ભાજપ સિવાય તમામ પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે રામવીર સિંહ ઠાકુરને ટિકિટ આપી છે.