રાજસ્થાન :ગુજરાતના ત્રણ વેપારીઓને રાજસ્થાનના તિજારામાં ટટલૂબાજોએ બંધક બનાવી રૂ. 15 લાખની ખંડણી માંગી હતી. જોકે આ કેસમાં ગુજરાત પોલીસે રાજસ્થાન પોલીસને જાણ કરતા પોલીસ કાર્યવાહીમાં એક ગુનેગાર ઝડપાયો છે. જ્યારે આ ઘટનામાં સંડોવાયેલા 5 બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ગુજરાતી વેપારીઓનું રેસ્ક્યુ કરાયું :તિજારા DSP મુનેશે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને માહિતી મળી હતી કે ભીવાડીના તિજારામાં ગુજરાતના ત્રણ વેપારીને બંધક બનાવી રૂ. 15 લાખની ખંડણી માંગવામાં આવી છે. જેના આધારે પોલીસ અધિક્ષક ભિવડીના નિર્દેશન હેઠળ એક ટીમ દ્વારા બદમાશોના સ્થાન પર છાપો મારવામાં આવ્યો હતો. આ પોલીસ કાર્યવાહીમાં આરોપી અફઝલ મેવની ધરપકડ કરી અને ત્રણ વેપારીઓને મુક્ત કરાવ્યા છે. તેમજ 5 બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
શું હતો મામલો ?પોલીસે પકડાયેલા ગુનેગારની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, આ ઘટનામાં સંડોવાયેલા આરોપી જમશેદ, શાહિદ, સાકીર શેખપુર, રોબિન ફરાર થઈ ગયા હતા. તિજારા DSP મુનેશે જણાવ્યું કે, આરોપીઓએ સોશિયલ મીડિયા પર સસ્તા દરે ભંગાર વેચવાની જાહેરાત આપી હતી. જેથી વેપારીઓ સરળતાથી જાળમાં ફસાઈ જાય અને આરોપી સમગ્ર ગુનાને અંજામ આપી શકે. આ જાહેરાત જોઈને ગુજરાતના વેપારી સલીમ અબ્દુલ કુરેશી, જબ્બાર અને ફિરોઝ તિજારા ખાતે આવ્યા હતા. અહીં આરોપીઓએ તેમને ભંગાર બતાવવાના બહાને બંધક બનાવી લીધા હતા. તેમજ વેપારીઓને છોડાવવા બદલ રૂ.15 લાખની ખંડણી માંગવામાં આવી હતી.
ટટલૂબાજોનું નેટવર્ક :ભિવાડી જિલ્લામાં ટટલૂબાજો સામેની કાર્યવાહી અંતર્ગત પોલીસે ત્રણ દિવસ પહેલા દોઢ ડઝન લોકોની ધરપકડ કરી હતી. પરંતુ આ વિસ્તારમાં ટટલૂબાજોનું નેટવર્ક એટલું મોટું છે કે તેમના સુધી પહોંચી શકવું પોલીસ માટે મુશ્કેલ હતું. આ લોકો અલગ-અલગ જગ્યાએ રહીને આવા ગુના આચરતા અને પોલીસને સહેજ પણ શંકા જાય તો ત્યાંથી ભાગી જતા હતા. હરિયાણાના મેવાત ભરતપુરમાં આ ટટલુબાજોની એક મોટી ગેંગ કામ કરે છે, જે દરરોજ આવી ઘટનાને અંજામ આપે છે.
- Jammu News : જમ્મુના શેરપુર કઠુઆ જિલ્લામાં વિસ્ફોટક મળ્યા, સુરક્ષા દળોએ તપાસ શરૂ કરી
- Gang Rape Case: લખનઉમાં પ યુવકોએ બે સગી બહેનો સાથે કર્યુ સામુહિક દુષ્કર્મ, બંને પીડિતાએ મુખ્યમંત્રી પાસે કરી ન્યાયની અપીલ