નવી દિલ્હીઃ રાજધાનીમાં કાળઝાળ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. આ પહેલા મંગળવારે દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં તાપમાન 50 ડિગ્રીની નજીક નોંધાયું હતું. નજફગઢ વિસ્તારમાં તાપમાન 49.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નવી દિલ્હીના તાપમાનની વાત કરીએ તો હાલમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ છે.
સતત વધી રહેલા તાપમાન વચ્ચે બુધવારે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડયો હતો. આ સાથે લોકોને ભેજથી થોડી રાહત મળવાની આશા છે. ઈન્ડિયા ગેટ પર સાંજે સાડા ચાર વાગ્યે વરસાદ પડ્યો હતો, જેનાથી લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ પહેલા, હીટ વેવને લઈને, ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે કહ્યું હતું કે ગરમીનું મોજું 31 મે સુધી ચાલુ રહેશે. ત્યાર બાદ જ હવામાનમાં ફેરફાર થશે.
હવામાન વિભાગના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે દિલ્હીમાં નોંધાયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. પારો ઊંચો જવા પાછળનું કારણ જણાવતા IMDના પ્રાદેશિક વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોથી શહેરની બહારના વિસ્તારો સૌથી પહેલા ફટકો પડે છે. દિલ્હીના કેટલાક ભાગોમાં આ ગરમીના મોજાનું વહેલું આગમન થાય છે. જે હવામાનને વધુ ખરાબ બનાવે છે. મુંગેશપુર, નરેલા અને નજફગઢ જેવા વિસ્તારો આ ગરમીના મોજાઓનો સામનો પ્રથમ કરવો પડે છે.
સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તનના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, ખુલ્લા વિસ્તારોમાં રેડિયેશન વધે છે. સીધો સૂર્યપ્રકાશ અને છાંયાનો અભાવ આ વિસ્તારોને ગરમ બનાવે છે. પાલાવતે કહ્યું, જ્યારે પવન પશ્ચિમ તરફથી ફૂંકાય છે, ત્યારે તે આ વિસ્તારોને સૌથી પહેલા અસર કરે છે. તે બહારના વિસ્તારો પર હોવાથી તાપમાન ઝડપથી વધે છે.
હીટ વેવની સ્થિતિ વચ્ચે દિલ્હીમાં વીજળીની માંગ પણ વધીને 8,302 મેગાવોટના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધારો થતાં શહેરની મહત્તમ વીજ માંગ બુધવારે 15:36:32 વાગ્યે વધીને 8,302 મેગાવોટ થઈ હતી. રાષ્ટ્રીય રાજધાનીના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે તેની વીજળીની માંગ 8,300 મેગાવોટને પાર કરી ગઈ છે. વીજળી વિતરણ કંપનીઓએ અનુમાન લગાવ્યું હતું કે આ ઉનાળામાં માંગ 8,200 મેગાવોટ સુધી પહોંચશે.
- ઓલપાડ તાલુકામાં સાંજે વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન ફુંકાયો - Surat News
- હરિયાણામાં 80 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટવાને નજીક - HARYANA WEATHER UPDATE