નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે સોમવારે SBI ને ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો ચૂંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો છે. તેમજ 21 માર્ચ સુધીમાં ચેરમેનના પાલન અંગેનું સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેંચે કહ્યું કે. બોન્ડ નંબર પ્રાપ્ત કર્યા પછી, ભારતીય ચૂંટણી પંચ તરત જ પોતાની વેબસાઇટ પર વિગતો મૂકશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ : 12 એપ્રિલ, 2019 પહેલાં ખરીદેલા અને રોકડ કરાયેલા ઇલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી જાહેર કરવા SBIને આદેશ આપવાની અરજી પર વિચાર કરવાનો પણ ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે SBI એ ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ વિગતો જાહેર કરવી જરૂરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બોન્ડ્સ સંબંધિત માહિતીમાં આલ્ફાન્યૂમેરિક નંબર અને સીરીયલ નંબર જો કોઈ હોય જે રોકડ કરવામાં આવ્યા હતા તે દર્શાવવામાં આવે.
SBI ચેરમેનને નિર્દેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે SBIનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે SBI તરફથી તમામ વિગતો જાહેર કરવામાં કોઈ વાંધો નથી. ભવિષ્યમાં કોઈ વિવાદ ટાળવા માટે બેન્ચે કહ્યું કે, અમે SBI ચેરમેનને ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધીમાં એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપીએ છીએ. જેમાં દર્શાવામાં આવે કે SBI એ પોતાની પાસે રહેલા ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો જાહેર કરી છે. ઉપરાંત કોઈ વિગતો છુપાવવામાં આવી નથી.
ચૂંટણી પંચ SBI તરફથી મળેલી તમામ માહિતી અપલોડ કરશે. કોર્ટ નથી ઈચ્છતી કે બોન્ડ સંબંધિત કોઈ માહિતી છુપાવવામાં આવે. અમે ઈચ્છીએ છીએ કે તમારી પાસે જે ઈલેક્ટોરલ બોન્ડ છે તે તમામ માહિતી જાહેર કરવામાં આવે. -- CJI ડીવાય ચંદ્રચુડ
શું છે ચૂંટણી બોન્ડ કેસ ?સુપ્રીમ કોર્ટ ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવેલ દાન અંગે SBI દ્વારા આપવામાં આવેલા અધૂરા ડેટા સામેની અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરી હતી અને બેંકને છેલ્લા પાંચ વર્ષમાં કરેલા દાન અંગેની તમામ વિગતો શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ SBI ને નોટિસ મોકલીને કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડ પર આપવામાં આવેલ ડેટા અધૂરો છે.
- Lottery King: શ્રમિકથી લોટરીકિંગ, જાણો ટોચના ચૂંટણી બોન્ડ દાતાઓમાં સામેલ સૈંટિયાગો માર્ટિન કોણ છે?
- Electoral Bond: રાજકીય પક્ષોને ઈલેકટોરલ બોન્ડથી દાન આપ્યું હોય તેવી ગુજરાતી કંપનીઓ કઈ કઈ??? જાણો વિગતવાર