નવી દિલ્હી: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીની મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અપ્રમાણસર સંપત્તિ કેસમાં સંડોવાયેલા ડીકે શિવકુમારની તપાસ કરવા માટે કર્ણાટક સરકાર દ્વારા તેની સંમતિ પાછી ખેંચી લેવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
CBIએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે, જેમાં ડેપ્યુટી સીએમ વિરુદ્ધ CBI તપાસ માટે કર્ણાટક સરકારની સંમતિ પાછી ખેંચવાને પડકારવામાં આવ્યો છે. જે બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ કેસની તપાસ માટે કર્ણાટક સરકાર દ્વારા સંમતિ પાછી ખેંચી લેવાને પડકારતી CBIની અરજી પર ચાર અઠવાડિયા પછી સુનાવણી કરશે.
આ મામલો જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ સમક્ષ આવ્યો હતો. કર્ણાટકના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યાતનાલે આ જ મુદ્દે બીજી અરજી દાખલ કરી છે. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, કેન્દ્રીય એજન્સીએ પણ અરજી દાખલ કરી હોવાથી કોર્ટ બંને કેસની સુનાવણી એકસાથે કરી શકે છે.
CBI અને BJP નેતાઓએ કર્ણાટક હાઈકોર્ટના 29 ઓગસ્ટ, 2024ના આદેશને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયા પછી બંને અરજીઓ પર એક જ દિવસે સુનાવણી કરવાનું નિર્ધારિત કર્યું છે. શિવકુમાર સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે સંમતિ પાછી ખેંચવાના કોંગ્રેસ સરકારના નિર્ણયને પડકારતી ભાજપના નેતા અને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર હાઈકોર્ટે વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
હાઈકોર્ટે શિવકુમારની કથિત ગેરકાયદે સંપત્તિની તપાસ કરવા માટે સંમતિ પાછી ખેંચવાના રાજ્યના 28 નવેમ્બર, 2023ના નિર્ણયને સીબીઆઈના પડકારને પણ ફગાવી દીધો હતો. કેન્દ્રીય એજન્સી અનુસાર, શિવકુમારે અગાઉની કોંગ્રેસ સરકારમાં ઉર્જા મંત્રી તરીકે ફરજ બજાવતા એપ્રિલ 2013 થી એપ્રિલ 2018 દરમિયાન આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસર રૂપિયા 74.93 કરોડની સંપત્તિ મેળવી હતી. સપ્ટેમ્બર 2024માં યતનાલની અરજી પર સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકાર અને શિવકુમાર પાસેથી તેમની અરજી પર જવાબ માંગ્યો હતો.
આ પણ વાંચો:
- દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનો આદેશ લાગુ થયો નથી... SCની સરકાર અને પોલીસને નોટિસ
- કેનેડા હિન્દુ મંદિર પર હુમલો: BJP-VHP નેતાઓએ કરી નિંદા, શીખ નેતૃત્વને ચરમપંથીઓની ટિકા કરવાની અપીલ