પુરી:ઓડિશાના પુરીમાં રવિવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. જ્યારે રથયાત્રા દરમિયાન ભાગદોડ જેવી સ્થિતિને કારણે, એક શ્રદ્ધાળુંનું મોત નીપજ્યું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ બલાંગીરના રહેવાસી લલિત બાગરતી તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન ઘાયલ લોકોને સારવાર માટે પુરી જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચતી વખતે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના આરોગ્યપ્રધાન મુકેશ મહાલિંગ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમણે હોસ્પિટલ પ્રશાસનને ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.