મુંબઈ :આજે ગુરુવારના રોજ શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતને ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે સંજય રાઉત પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ સંજય રાઉત પાસેથી વળતર તરીકે દંડ વસૂલવામાં આવશે.
સંજય રાઉત વિરુદ્ધ માનહાનિ કેસ :તમને જણાવી દઈએ કે, સંજય રાઉતને ભારતીય દંડ સંહિતાની કલમ 500 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. મુંબઈની એક કોલેજમાં પ્રોફેસર મેધા સોમૈયાએ સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રાઉતે તેમના પર અને તેમની NGO યુવા પ્રતિષ્ઠાન પર કરોડોના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
સંજય રાઉતને જેલ અને દંડની સજા :આ કેસની સુનાવણી દરમિયાન મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મઝગાંવએ આ સજા સંભળાવી હતી. સંજય રાઉતને 15 દિવસની જેલની સજા અને 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ સંજય રાઉત પાસેથી વળતર તરીકે દંડ વસૂલવામાં આવશે. સોમૈયા વતી એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ કહ્યું કે, સંજય રાઉત 15 એપ્રિલ, 2022 અને ત્યારથી ખોટા નિવેદનો આપી રહ્યા છે. દરેક વ્યક્તિએ આ નિવેદનો વાંચ્યા અને સાંભળ્યા છે.
શું છે સમગ્ર મામલો ?શિવસેનાના મુખપત્ર સામનામાં સંજય રાઉતે 12 એપ્રિલ 2022 ના રોજ કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા પર એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે લખ્યું છે કે, મેધા સોમૈયાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને મીરા-ભાઈંદર વિસ્તારમાં 16 શૌચાલય બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. જેમાં મેધાએ 3.90 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.
આ લેખ પ્રકાશિત થયા બાદ ઘણો વિવાદ થયો હતો. જે ખૂબ ચર્ચીત પણ બન્યો હતો. આ લેખ જોઈને મેધા સોમૈયાએ કહ્યું કે, મારી ઈમેજ કલંકિત થઈ છે અને મને ઘણી માનસિક પીડાનો સામનો કરવો પડ્યો છે. મારા મિત્રો, સગા-સંબંધીઓ મારી સામે શંકાની નજરે જુએ છે. લોકો મને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે છે. મારા સન્માનને ઠેસ પહોંચી છે.
- સંજય રાઉતે NDA ગઠબંધનની સરકાર મુદ્દે કર્યો મોટો દાવો
- મહારાષ્ટ્રના કથીત ખીચડી કૌભાંડમાં સંજય રાઉત પર આરોપ