કોલકાતા:કલકત્તાની એક વિશેષ અદાલત આજે સોમવારે સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે બનેલી રેપ અને હત્યાની ઘટનાને મુદ્દે દોષી સિવિક વોલન્ટિયર સંજય રૉયને સજા સંભળાવતા આજીવન કેદ ફટકારી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે.
ઓગસ્ટ, 2024 માં કલકત્તાની એક હૉસ્પિટલના પટાંગણમાં એક ટ્રેઈની ડૉક્ટરનું શબ મળી આવ્યું હતું. વિશેષ અદાલતના ન્યાયાધીશ અનિર્બાન દાસે 18 જાન્યુઆરીના રોજ સંજય રૉયને આ કેસમાં દોષી જાહેર કર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વિશેષ અદાલતની કાર્યવાહી સોમવારે લગભગ 12 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. કાર્યવાહીની શરૂઆતમાં, ન્યાયાધીશ દ્વારા રૉય અને પીડિતાના માતા-પિતાને આ કેસમાં પોતાના નિવેદન આપવાની પરવાનગી આપવામાં આવી, એ પછી, વિશેષ અદાલતના ન્યાયાધીશ આ કેસમાં સજાનું એલાન કર્યું હતું.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપ્યું નિવેદન: આ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. અમે ન્યાયની માંગ કરી હતી, પરંતુ ન્યાયપાલિકાને પોતાનું કામ કરવાનું હતું. એટલે આમાં આટલો સમય લાગ્યો, પરંતુ અમે હંમેશા ઇચ્છતા હતા કે પીડિતાને ન્યાય મળે.
વધુમાં વધુ સજા 'મૃત્યુદંડ':18 મી જાન્યુઆરી પહેલા જ ન્યાયાધીશે સ્પષ્ટ કરી દીધું હતું આ કેસમાં, વધુમાં વધુ સજા 'મૃત્યુદંડ', અને ઓછામાં ઓછી સજા 'આજીવન કારાવાસ' થઈ શકે છે. જો કે, બળાત્કાર અને હત્યાના અપરાધના કેસમાં રૉય વિરુદ્ધ સજાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ જશે. પરંતુ આ કેસમાં પુરાવા સાથે 'છેડછાડ' અને 'બદલાવ'ના સંબંધમાં કેન્દ્રીય ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની તપાસ હજુ પણ ચાલુ રહેશે.