મુંબઈ:ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને મુંબઈની એક હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંપૂર્ણ ભારતમાં શોકની લાગણી ફરી વળી છે. આ દરમિયાન રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
શોકની લાગણી સાથે મુકેશ અંબાણીએ જણાવ્યું કે, 'આજનો દિવસ ભારત અને ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાનું નિધન એ માત્ર ટાટા ગ્રૂપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે.'
'વ્યક્તિગત રીતે રતન તાતાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. તેમની સાથેની મારી અસંખ્ય મુલાકાતોએ મને પ્રેરણા તથા ઊર્જા આપી અને તેમના વ્યક્તિત્વની મહાનતા અને તેમણે મૂર્તિમંત કરેલા માનવીય મૂલ્યો પ્રત્યેના મારા આદરને વધાર્યો હતો.'
મુકેશ અંબાણી તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ રતન ટાટાનો ફોટો પોસ્ટ કર્યો છે. જ્યાં તેમણે લખ્યું, 'લોસ ઓફ લેજેન્ડ.'
રતન ટાટા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, રતન ટાટા એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ હતા. તેમણે હંમેશા સમાજ વધુ બહેતર બને તે માટેના પ્રયત્નો કર્યા હતા.
રતન, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો: વધુમાં તેમણે જણાવ્યું કે, રતન ટાટાના નિધનથી ભારતે તેમના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ દીકરાઓમાંનો એક દીકરો ગુમાવ્યો છે. રતન ટાટા ઇન્ડિયાને વિશ્વ સમક્ષ લઈ ગયા અને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લાવ્યા. તેમણે હાઉસ ઓફ ટાટાને ઇન્સ્ટિટ્યૂશનલાઇઝ્ડ કર્યું અને 1991માં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને ટાટા જૂથને 70 ગણું વિકસાવીને તેમને આંતરરાષ્ટ્રીય સાહસ બનાવ્યું અને સાર્થક કર્યું. અંતમાં મુકેશ અંબાણી લખ્યું કે, 'રતન, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો."
આ પણ વાંચો:
- ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ: ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ, જુઓ
- શિંદે સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ પસાર કર્યો