નવી દિલ્હી :મહિલાઓ અને બાળકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ અને બાળકો માટે રેલ મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલ્વેના નિર્ણાયક યોગદાનની પ્રશંસા કરી. સાથે જ રેલ્વે વિભાગને ખાતરી આપી છે કે મહિલાઓ અને બાળકો માટે રેલ મુસાફરીને સુરક્ષિત બનાવવાના તેમના પ્રયાસો માટે ભંડોળ કોઈ અવરોધ હશે નહીં.
બાળકોની સુરક્ષા માટે SOP :દેશભરમાં રેલવે પરિસરમાં જોવા મળતા સંવેદનશીલ બાળકોના રક્ષણ માટેની સીમાચિહ્નરૂપ પહેલમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી 25 ઓક્ટોબર, 2024 ના રોજ નવી દિલ્હીમાં રેલ ભવન ખાતે અપડેટેડ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) શરૂ કરવામાં આવી છે. આ વ્યાપક SOP ભારતીય રેલ્વેના સંપર્કમાં આવતા બાળકોની સુરક્ષા માટે એક મજબૂત માળખાની રૂપરેખા આપે છે.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની (SOP) શરૂઆત દરમિયાન MoWCD ના સચિવ અનિલ મલિકે અપગ્રેડેડ રેલવે સ્ટેશનો પર CCTV અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજી સ્થાપિત કરી કિશોરોની સુરક્ષા વધારવાની પહેલ માટે ભારતીય રેલવેની પ્રશંસા કરી હતી.
દરરોજ 2.3 કરોડથી વધુ મુસાફરો રેલવે દ્વારા મુસાફરી કરે છે, જેમાં 30 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. આ સાથે ખાસ કરીને કિશોરો કે જેમના પર માનવ તસ્કરો દ્વારા શોષણનું જોખમ છે, તેમને સુરક્ષિત રાખવાની ખૂબ જ જરૂરિયાત છે.
આ કાર્યક્રમમાં રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) MoWCD અધિકારીઓને માનવ તસ્કરી વિરોધી એકમોને (AHTU) વધુ મજબૂત બનાવવાના મહત્વ વિશે માહિતી આપી. સાથે જ આસામ, ગુજરાત, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોને તેમના રેલવે સ્ટેશન પર માનવ તસ્કરી અટકાવવા અને મુસાફરોની સલામતી વધારવા માટે એકમો સ્થાપિત કરવા વિનંતી કરી.
"ઓપરેશન AAHT"
રેલવે વિભાગની જગ્યાનો ઉપયોગ માનવ તસ્કરો દ્વારા બાળકની તસ્કરી માટે કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે RPF ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. બાળ તસ્કરીના સતત પડકારને ઓળખીને RPF નું "ઓપરેશન AAHT" 2022 થી 2,300 થી વધુ બાળકોને બચાવવા અને 674 તસ્કરોને પકડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સિદ્ધિ હેરફેર અને શોષણ સામે લડવા માટે RPFના અવિરત સમર્પણને દર્શાવે છે.
‘ઓપરેશન નન્હે ફરિશ્તે’
RPF દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 57,564 બાળકોને તસ્કરીમાંથી બચાવાયા છે, તેમાંથી 18,172 છોકરીઓ હતી. વધુમાં એ પણ સુનિશ્ચિત કર્યું કે આ બાળકોમાંથી 80 ટકા તેમના પરિવારોને ફરી મળી શકે. ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ RPF દ્વારા સમગ્ર રેલ્વે નેટવર્કમાં બાળકોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રિત પહેલોની શ્રેણી રજૂ કરી છે.
સંવેદનશીલ બાળકોની સુરક્ષા માટે સમગ્ર દેશમાં લગભગ 262 સ્ટેશનોમાં માનવ તસ્કરી વિરોધી એકમ સ્થાપવામાં આવનાર હતા. પરંતુ કેટલાક ભારતીય રાજ્યોના સહકારના અભાવે ત્યાં AHTU ની સ્થાપના થઈ શકી નથી. MoWCD ના સેક્રેટરી આ દિશામાં ત્વરિત પગલા તરીકે આ રાજ્યોને પત્ર લખવા સંમત થયા. MoWCD આ રાજ્ય સરકારોને અને જિલ્લા મેજિસ્ટ્રેટને સંબંધિત રાજ્યોના રેલવે સ્ટેશનોમાં આ એકમ સ્થાપિત કરવા માટે પત્ર લખશે. જેથી કરીને રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રયાસો વધુ સફળ બને.
"ઓપરેશન મેરી સહેલી"
રેલવે વિભાગ ટ્રેનમાં મુસાફરી કરતી એકલી મહિલાની સુરક્ષા માટે "ઓપરેશન મેરી સહેલી" ચલાવી રહી છે. માનવ તસ્કરી વિરોધી પ્રવૃત્તિઓમાં RPF ના યોગદાનની પ્રશંસા કરતા MoWCD સચિવે જણાવ્યું કે, અમારું મંત્રાલય મહિલાઓની સુરક્ષાને લક્ષ્યમાં રાખતા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ખર્ચવા તૈયાર છે. ભારત સરકારે દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યની પહેલના અમલીકરણ માટે 'નિર્ભયા ફંડ' નામના સમર્પિત ફંડની સ્થાપના કરી હતી. નિર્ભયા ફંડમાંથી દેશભરના સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા અને ફેસ રેકગ્નિશન સિસ્ટમ સ્થાપિત કરવા માટે નાણાં આપી શકાય છે, જેથી મહિલા સામેના ગુનાઓ અટકાવી શકાય.
- બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડની ઘટના, મુસાફરોમાં આક્રોશ
- દિવાળી, છઠ પૂજા દરમિયાન રેલવે દોડાવશે 6556 સ્પેશ્યલ ટ્રેનો