નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024 ના પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારના રોજ દિલ્હીમાં યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનોની સમસ્યા સાંભળી અને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ ચર્ચા દરમિયાન હરિયાણાની રીતુએ રાહુલ ગાંધીને એવો સવાલ પૂછ્યો, જેને સાંભળીને ઈવેન્ટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અગ્નિવીર યોજના પર રાહુલ ગાંધીનું નિવેદન : યુવતીએ પૂછ્યું કે, જો તમારી સરકાર સત્તામાં આવશે તો અગ્નિવીર યોજના હેઠળ છોકરીઓની ભરતી અંગે તમારી શું યોજના છે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારા મેનિફેસ્ટોમાં લખ્યું છે કે જો અમારી સરકાર બનશે તો અમે અગ્નિવીર યોજના ખતમ કરી દઈશું અને જૂની કાયમી ભરતી પ્રણાલી લાગુ કરવામાં આવશે.
આર્મીમાં મહિલાઓની ભરતી પર અભિપ્રાય :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, જ્યાં સુધી સેનામાં મહિલાઓની ભરતીનો સવાલ છે, તેનો અંતિમ નિર્ણય સેના દ્વારા લેવામાં આવે છે. પરંતુ મારો અભિપ્રાય છે કે મહિલાઓને પણ સેનામાં સ્થાન મળવું જોઈએ અને તેમને પ્રવેશ મળવો જોઈએ. સેનાએ નક્કી કરવું જોઈએ કે મહિલાઓને ક્યાં અને કેટલી સંખ્યામાં ભરતી કરવી છે.
મહિલાની શારીરિક શક્તિ પર રાહુલનું મંતવ્ય :યુવતીએ વધુમાં પૂછ્યું કે, મહિલાઓને શારીરિક રીતે નબળી માનવામાં આવે છે, તો તમે આવી માનસિકતા દૂર કરવા તમે શું કરશો. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આધુનિક હથિયારોમાં શારીરિક તાકાતથી બહુ ફરક નથી પડતો. હું નથી માનતો કે મહિલાઓ આ કામ કરી શકતી નથી. અમે આ અંગે સેના સાથે વાત કરીશું જેથી વધુને વધુ મહિલાઓ સેનામાં જોડાઈ શકે.
છાત્ર રાજનીતિ :આ સિવાય એક યુવકે રાહુલ ગાંધીને યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી રોકવા અંગે પૂછ્યું હતું. જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, વિદ્યાર્થી રાજનીતિ હોવી જોઈએ. અમે સત્તામાં આવીશું ત્યારે પ્રતિબંધ હટાવીશું. પછાત અને દલિત વર્ગના યુવાનો રાજકારણમાં ન આવે તે માટે યુનિવર્સિટીઓમાં રાજકારણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- પ્રિયંકા ગાંધીના આગમન પહેલા અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર 12 વાહનોમાં થઇ તોડફોડ
- કર્ણાટક યૌન શોષણ કેસ: રાહુલે સિદ્ધારમૈયાને કહ્યું- પીડિત મહિલાઓને શક્ય તમામ મદદ કરો