નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીની તમામ 7 સીટો પર ઈન્ડિયા એલાયન્સ હેઠળ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. આજે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અશોક વિહારના રામલીલા મેદાનમાં ઈન્ડિયા એલાયન્સના ઉમેદવારો માટે વોટ માંગ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય બંધારણ બચાવવાનો છે. ભારત, ગરીબો અને પછાતને બચાવવાના છે. ભાજપના મોટા નેતાઓએ ખુલ્લેઆમ કહ્યું છે કે જો તક આપવામાં આવશે તો તેઓ બંધારણને ફાડીને ફેંકી દેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ 22થી 25 મોટા લોકો માટે કામ કર્યુ. ચાંદની ચોકમાં મધ્યમ અને નાના વેપારીઓ કામ કરે છે. મોદીએ જણાવવું જોઈએ કે તેમણે 10 વર્ષમાં અહીં શું કામ કર્યું છે. ડિમોનેટાઇઝેશન થયું, રોકડનો પ્રવાહ ઓછો થયો. જીએસટીનો અમલ યોગ્ય રીતે થયો નથી. નાના વેપારીઓનો એક પણ રૂપિયો માફ કરાયો નથી, મજૂરોનો એક રૂપિયો પણ માફ કરાયો નથી. મોટા અબજોપતિઓના પૈસા માફ કર્યા. તેઓ રેલવેને ખાનગી હાથમાં સોંપી રહ્યા છે. લાલ કિલ્લાનો કોન્ટ્રાક્ટ રાષ્ટ્રીય ઓળખ હોવા છતાં કોઈને આપવામાં આવ્યો હતો.