પંજાબ :ભટિંડામાં શુક્રવારના રોજ એક સર્જાયેલ બસ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. હાલ ઘાયલ મુસાફરોની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
પંજાબમાં ગોઝારો બસ અકસ્માત :ભટિંડાના જીવનસિંહ વાલા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક બસ પુલ સાથે અથડાઈને નાળામાં પડી ગઈ હતી. અકસ્માતની જાણ થતા NDRF, પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાનગી બસ તલવંડી સાબોથી ભટિંડા શહેર જઈ રહી હતી. ઉચ્ચ નાગરિક અને પોલીસ અધિકારીઓ બચાવ કામગીરી પર નજર રાખવા માટે સ્થળ પર છે.
8 લોકોના મોત, 21 ઘાયલ :આમ આદની પાર્ટીના (AAP) ધારાસભ્ય જગરૂપસિંહ ગિલે આ ઘટના પર શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું, "દુઃખદ ઘટના બની, પરિણામે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને 3 લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો. 21 ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જેમાંથી 3ના મોત થયા. મૃતકો અને ઘાયલોને માટે સરકાર તરફથી નાણાકીય સહાયની માંગ કરવામાં આવી છે."
મૃતકો અને ઘાયલોને નાણાકીય સહાય :પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે દરેક મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની અનુગ્રહ રકમની જાહેરાત કરી હતી.
પુલની રેલિંગ સાથે અથડાઈ બસ :જિલ્લા સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, બસ નાળામાં પડી તે પહેલા પુલની રેલિંગ સાથે અથડાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે ભટિંડામાં વરસાદ પડી રહ્યો હતો અને અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે.
બચાવ અને રાહત કામગીરી :ભટિંડાના ડેપ્યુટી કમિશનર શૌકત અહમદ પારેએ જણાવ્યું કે, દુર્ઘટના બાદ તરત જ ગામલોકો બચાવ માટે દોડી આવ્યા અને કેટલાક લોકોના જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. બસમાં કેટલા લોકો સવાર હતા તેની પુષ્ટિ કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ ડીસી પારે અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) અમ્નીત કોંડલ સહિતના જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
- વલસાડથી ડાકોર જતી બસનો અકસ્માત, કેબિનનો ભાગ થયો ભુક્કો
- મુંબઈના કુર્લામાં બસે અનેક વાહનોને અડફેટે લીધા, 4 લોકોના મોત