અમદાવાદ :રાજધાની દિલ્હીમાં તીન મૂર્તિ સંકુલમાં સ્થિત નહેરુ મ્યુઝીયમ મેમોરિયલ અને લાઇબ્રેરી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. તેની જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત 51 દસ્તાવેજો :પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત 51 દસ્તાવેજો પરત કરવાની વિનંતી કરી છે. આ દસ્તાવેજોને તેમણે 'ઈતિહાસનું એક મહત્વપૂર્ણ પાસું' ગણાવ્યા, જેને કથિત રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના આદેશ પર મ્યુઝિયમમાંથી તેને પરત લેવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધીને પત્ર લખીને દસ્તાવેજ પરત માંગ્યા :રિઝવાન કાદરીએ જણાવ્યું કે, અગાઉ સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર લખીને દસ્તાવેજો સંસ્થાને પરત કરવા વિનંતી કરી હતી. પત્રમાં વિનંતી કરી હતી કે લગભગ આઠ અલગ-અલગ ગ્રંથોમાંથી 51 બોક્સ, જે વડાપ્રધાનના મ્યુઝિયમ (અગાઉ નહેરુ મેમોરિયલ)માં નહેરુ સંગ્રહનો ભાગ હતા, તેમને સંસ્થામાં પરત કરવામાં આવે. અથવા અમારા દ્વારા સ્કેન કરવાની મંજૂરી આપવામાં આવે અથવા તેમની સ્કેન કરેલી નકલ પ્રદાન કરવામાં આવે. આનાથી તેનો અભ્યાસ કરવામાં અને વિવિધ વિદ્વાનો દ્વારા સંશોધન કરવામાં મદદ મળશે.
પંડિત નહેરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો પત્રવ્યવહાર :રિઝવાન કાદરીએ વધુમાં જણાવ્યું કે, આમાં પંડિત જવાહરલાલ નહેરુ અને લેડી માઉન્ટબેટન વચ્ચેનો મહત્વપૂર્ણ પત્રવ્યવહાર તેમજ પંડિત ગોવિંદ વલ્લભ પંત, જયપ્રકાશ નારાયણ અને અન્ય લોકો સાથેના પત્રની આપ-લેનો સમાવેશ થાય છે. આ પત્રો ભારતીય ઈતિહાસનો મહત્વનો હિસ્સો છે. રેકોર્ડ દ્વારા સાબિત થયું છે કે સોનિયા ગાંધીના નિર્દેશ પર 2008માં તેને મ્યુઝિયમમાંથી પરત લેવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી તરફથી કોઈ જવાબ ન મળતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ સંબંધમાં બીજો પત્ર લખ્યો છે.