ગાંધીનગર: વર્ષ 2025 શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ કામ કરતા કર્મચારીઓના પગારમાં 7 ટકા મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓને 5 મહિનાનો મોંઘવારી વધારો ડિસેમ્બર મહિનાના પગારની સાથે જ ચૂકવી દેવામાં આવશે.
5 મહિનાનો તફાવત એકસાથે ચૂકવાશે
આ અંગે નાણા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણકારી આપવામાં આવી છે. જે મુજબ છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓના પગાર તથા પેન્શનરોના કિસ્સામાં 7 ટકા મોંઘવારી ભથ્થાના વધારાની જાહેરાત કરી છે. પરિપત્ર મુજબ આ કર્મચારીઓને 1 જુલાઈ 2024ની અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવાશે અને જુલાઈ 2024થી નવેમ્બર 2024 વચ્ચેના 5 મહિનાનો તફાવત (પેઇડ ઇન જાન્યુઆરી-2025) ડિસેમ્બર મહિનાના પગારમાં ચૂકવાશે. પેન્શનરોને પણ આ જ રીતે વધારાની રકમ ચૂકવાશે.
અગાઉ સાતમા પગાર પંચના કર્મચારીઓનો પગાર વધ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 4 ડિસેમ્બરે રાજ્ય સરકારે સાતમા પગાર પંચના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો હતો. જેમાં રાજ્યસેવાના અને પંચાયત સેવા, શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકાર હસ્તકના પ્રોવીડન્ડ ફંડ ખાતાના કર્મચારીઓ સહિત સાતમા પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારીઓ મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે.
આ જાહેરાત અંતર્ગત મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ-પેન્શનર્સને પગાર પર કુલ 50 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું. જેમાં વધારા સાથે ત્રણ ટકા વધારો મળતા તે 53 ટકા થશે. એટલું જ નહીં પણ આ વધારો જુલાઈ 2024થી લાગુ પડતો હોઈ, હવે જુલાઈથી નવેમ્બર 24 સુધીનું ભથ્થું જે એરિયર્સ તરીકે એક સાથે જાન્યુઆરી 2025માં ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચુકવવામાં આવશે.
આ પણ વાંચો: