નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાત લેશે. તેઓ રશિયામાં 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સંદર્ભમાં, વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, વડાપ્રધાન બ્રિક્સ જૂથના સભ્ય નેતાઓ અને અન્ય આમંત્રિતો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે પીએમ મોદીની રશિયાની આ બીજી મુલાકાત છે.
ગ્રૂપના નવ સભ્યો સુધી વિસ્તરણ થયા બાદ રશિયામાં આ પ્રથમ સમિટ યોજાઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાં 2023 સમિટ દરમિયાન સભ્યપદની ઓફર કર્યા પછી ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને યુએઈ આ વર્ષે જૂથમાં જોડાયા હતા, જ્યારે સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે સરકાર બદલાયા બાદ આર્જેન્ટિનાએ ના પાડી દીધી હતી, તો બીજી તરફ સાઉદી અરેબિયાએ હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર 22-23 ઓક્ટોબરે રશિયાની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત 16માં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ સમિટની થીમ 'સમાન વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો' છે. આ ઇવેન્ટ નેતાઓને મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.