હૈદરાબાદ: ભારતની કેન્દ્રીય સરકાર એટલે કે મોદી સરકાર આજ રોજ ગુરુવારે, 3 ઓક્ટોબરથી પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ કંપનીઓ ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી શકે છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, રસ ધરાવતા ઈન્ટર્ન આ પોર્ટલ માટે 12 ઓક્ટોબરથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે અરજદારે એક ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તેણે તેની કુશળતા અને રુચિઓ વિશે માહિતી આપવાની રહેશે. મહત્વની વાત એ છે કે, પીએમ ઈન્ટર્નશિપ સ્કીમનું આ પોર્ટલ તમને પોતે કઈ કંપની માટે પાત્ર છે તેની માહિતી આપશે. આ સાથે તમારો CV પણ આપોઆપ તૈયાર થઈ જશે.
1 કરોડ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય:તમને જણાવી દઈએ કે, ઈન્ટર્નશિપ કરી રહેલા ઉમેદવારોની પસંદગી તેમની પ્રોફાઇલ, રુચિ અને લાયકાતના આધારે કરવામાં આવશે. આ પછી કંપનીઓ તેમને પસંદ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે આગામી 5 વર્ષમાં લગભગ 1 કરોડ લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોણ કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ:
- અરજી કરનાર અરજદાર 10મું પાસ હોવો જોઈએ.
- તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
- પરિવારનો કોઈપણ સભ્ય આવકવેરો ફાઇલ કરતો ન હોવો જોઈએ.
- પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- ઈન્ટર્નશીપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ કરવા પર પ્રતિબંધ રહેશે.
- IIT, IIM અને ફુલ ટાઈમ જોબ કરનારા આ ઈન્ટર્નશિપ કરી શકશે નહીં.