નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 31 જાન્યુઆરી બુધવારે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા માટે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. નવા સંસદ ભવન પહોંચતા જ મુર્મુનું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું.
નવા સંસદભવનમાં રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન : જ્યારે રાષ્ટ્રપતિ પ્રવેશ્યા ત્યારે રાજદંડ (સેંગોલ) તેમની સમક્ષ લઈ જવામાં આવ્યો અને બાદમાં યથાસ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પાછળ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલી રહ્યા હતા. રાષ્ટ્રગીત બાદ રાષ્ટ્રપતિએ બંને ગૃહોની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને નીતિન ગડકરી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આગળની હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. નવા સંસદભવનમાં રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા સંસદ ભવનમાં પ્રથમ સંબોધન કરતાં કહ્યું કે, અહીં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુગંધ છે. આ ઉપરાંત 21 મી સદીના નવા ભારતની નવી પરંપરાઓનું નિર્માણ કરવાનો સંકલ્પ પણ છે. મને વિશ્વાસ છે કે આ નવા ભવનમાં નીતિઓ પર અર્થપૂર્ણ ચર્ચા થશે. સમગ્ર વિશ્વમાં ગંભીર સંકટ વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને છેલ્લા બે સળંગ ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 1.5 ટકા રહ્યો છે.
2023 ભારત માટે સુવર્ણ વર્ષ : પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગત વર્ષ ભારત માટે ઉપલબ્ધીયોથી ભરેલું હતું. ઘણી સફળતા મળી અને ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો, ભારત દ્વારા આયોજિત સફળ G20 સમિટના માધ્યમથી વિશ્વમાં ભારતની ભૂમિકા મજબૂત બની છે. એશિયન ગેમ્સમાં ભારતે 100 થી વધુ મેડલ જીત્યા છે. ભારતને અટલ ટનલ પણ મળી છે. આજે આપણે જે સિદ્ધિઓ જોઈ રહ્યા છીએ તે છેલ્લા 10 વર્ષની પ્રથાઓનું વિસ્તરણ છે. આપણે નાનપણથી 'ગરીબી હટાઓ' સૂત્ર સાંભળ્યું છે. આજે આપણા જીવનકાળમાં પ્રથમ વખત આપણે મોટા પાયે ગરીબી ઘટતી જોઈ રહ્યા છીએ.
રામ મંદિરનો ઉલ્લેખ : બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રામ મંદિર નિર્માણનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણની સદીઓની આકાંક્ષા હતી, જે હવે પૂરી થઈ છે. અયોધ્યામાં સ્થિત રામ મંદિરમાં રામ લાલાના અભિષેકના પાંચ દિવસમાં 13 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે.
નારી વંદન અધિનિયમ : જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 ને નિષ્ક્રિય કરવા, વસાહતી ફોજદારી કાયદાની જગ્યાએ નવા કાયદા બનાવવા અને નારી વંદન અધિનિયમ સહિત સરકારના અન્ય ઘણા પગલાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ગંભીર સંકટ વચ્ચે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અમારી તાકાત બની ગયા છે. ઉપરાંત તેમણે રક્ષા ઉત્પાદન રૂ. 1 લાખ કરોડના આંકને વટાવી જવાની પણ પ્રશંસા કરી હતી.
પરીક્ષા માટે નવો કાયદા : સરકારની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકારે સતત 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' યથાવત રાખ્યું છે. મહિલા આરક્ષણ અધિનિયમ પસાર થવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નારી શક્તિ વંદન કાયદો પસાર કરવા બદલ હું સભ્યોને અભિનંદન આપું છું, તે મારી સરકારના મહિલા નેતૃત્વના વિકાસ માટેના સંકલ્પને મજબૂત બનાવે છે. મારી સરકાર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને લઈને યુવાનોની ચિંતાઓથી વાકેફ છે, આ દિશામાં કડકતા લાવવા નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માતૃ મૃત્યુદર ઘટ્યો :રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા વર્ષોમાં દુનિયાએ બે મોટા યુદ્ધ જોયા અને કોરોના જેવી મહામારીનો સામનો કર્યો છે. આટલી બધી વૈશ્વિક કટોકટી હોવા છતાં મારી સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી અને સામાન્ય ભારતીયો પર બોજ વધવા દીધો નથી. આજે દેશમાં 100 ટકા સંસ્થાકિય પ્રસુતિ થઈ રહી છે અને તેના કારણે માતૃ મૃત્યુદરમાં મોટો ઘટાડો થયો છે. સાથે જ ઉજ્જવલા યોજનાનો લાભ લેતા ગરીબ પરિવારોમાં બિમારીનું પ્રમાણ પણ ઘટ્યું છે.