મુંબઈ: મુંબઈની 50થી વધુ હોસ્પિટલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઈમેલ મોકલનારએ દાવો કર્યો હતો કે હોસ્પિટલના પલંગની નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેનાથી તે હોસ્પિટલોને ઉડાવી દેશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકીભર્યો ઈમેલ મોકલનારે વિદેશી VPN નેટવર્કનો ઉપયોગ કરીને ઈમેલ મોકલ્યો હતો.
મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈની ઘણી મોટી હોસ્પિટલોને તેમના ઈમેલ આઈડી પર ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. જે ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો તે સાયપ્રસમાં આવેલ છે. તેમજ અજાણ્યા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ VPN સ્વિત્ઝર્લેન્ડ અને જર્મનીનું હોવાનું માનવામાં આવે છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ઈમેલ લખીને 50 થી વધુ હોસ્પિટલોને મોકલી આપ્યો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું કે, મુંબઈની હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ તેમણે પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે હોસ્પિટલોની તપાસ કરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જે હોસ્પિટલોને ધમકીનો ઈમેલ મળ્યો છે તેમાં જસલોક હોસ્પિટલ, રાહેજા હોસ્પિટલ, સેવન હિલ્સ હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, KEM હોસ્પિટલ, જેજે હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, ભાભા હોસ્પિટલ, હિરાનંદાની હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.