ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસના 12 વર્ષ, શું થયુ હતુ એ રાત્રે ? શું હવે દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત છે ? - NIRBHAYA CASE

16 ડિસેમ્બર, 2022ના રોજ થયેલ દિલ્હી નિર્ભયા કેસને આજે 12 વર્ષ થયા. જાણો એ રાત્રે શું બન્યું અને શું હવે દિલ્હી મહિલાઓ માટે સુરક્ષિત છે.

નિર્ભયા કેસના 12 વર્ષ
નિર્ભયા કેસના 12 વર્ષ (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2024, 11:24 AM IST

નવી દિલ્હી :નિર્ભયા કેસને 12 વર્ષ થઈ ગયા છે, પરંતુ દિલ્હીમાં હજુ પણ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અટક્યા નથી. નિર્ભયા કેસની વર્ષગાંઠ પર આમ આદમી પાર્ટી દ્વારા 'મહિલા અદાલત' નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંયોજક અરવિંદ કેજરીવાલની સાથે અખિલેશ યાદવ પણ ભાગ લેશે.

દિલ્હી નિર્ભયા કેસના 12 વર્ષ :આજથી 12 વર્ષ પહેલા 16 ડિસેમ્બરના રોજ દિલ્હીના રસ્તાઓ પર ચાલુ બસમાં નિર્ભયા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. દિલ્હીમાં થયેલા આ દર્દનાક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ નિર્દયતાને અંજામ આપવામાં છ લોકો સામેલ હતા. નિર્ભયા કેસના છમાંથી ચાર દોષિતોને ફાંસી આપવામાં આવી, જ્યારે એક આરોપીએ તિહાર જેલમાં જ આત્મહત્યા કરી હતી.

ચાલુ બસમાં યુવતી પર થયું દુષ્કર્મ :એ કાળરાત્રીએ એક પેરામેડિકલ વિદ્યાર્થીનિ પર ચાલતી બસમાં 6 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની માતા આશા દેવીએ પોતાની દીકરીને ન્યાય અપાવવા લડત આપી હતી. દરમિયાન નિર્ભયાને સારવાર અર્થે સિંગાપોર લઈ જવામાં આવી હતી. નિર્ભયા તેના છેલ્લા શ્વાસ સુધી લડતી રહી, પરંતુ 29 ડિસેમ્બરે સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

શું થયુ હતુ 16 ડિસેમ્બર 2012 ની રાત્રે ?દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012 ના રોજ ચાલતી બસમાં છ આરોપીઓએ નિર્ભયા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. 17 ડિસેમ્બર 2012 ના રોજ વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં 6 આરોપી હતા, તેમની ઓળખ મુખ્ય આરોપી રામ સિંહ (ડ્રાઇવર), તેના ભાઈ મુકેશ સિંહ, જિમ ઇન્સ્ટ્રક્ટર વિનય શર્મા, ફળ વિક્રેતા પવન ગુપ્તા, બસ કંડક્ટર અક્ષય કુમાર સિંહ અને એક સગીર તરીકે થઈ હતી.

નિર્ભયા જીંદગીની લડાઈ હારી ગઈ :27 ડિસેમ્બર 2012 ના રોજ નિર્ભયાને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. 29 ડિસેમ્બર 2012 ના રોજ પીડિતાનું સિંગાપોરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું અને મૃતદેહને દિલ્હી પરત લાવવામાં આવ્યો હતો.

એક આરોપીનું શંકાસ્પદ મોત :11 માર્ચ, 2013 ના રોજ આરોપી રામ સિંહનું તિહાર જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું, પોલીસે આ કેસને આત્મહત્યા ગણાવ્યો હતો, જ્યારે તેના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. 31 ઓગસ્ટ, 2013 ના રોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે નિર્ભયા કેસમાં સગીર આરોપીને દોષિત જાહેર કર્યો અને તેને 3 વર્ષ માટે બાળ ગૃહમાં મોકલી આપ્યો.

ચાર દોષિતોને ફાંસીની સજા :13 ડિસેમ્બર, 2013 ના રોજ ટ્રાયલ કોર્ટે ચાર પુખ્ત આરોપીઓને દોષિત ઠેરવ્યા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી. તમામ ગુનેગારોએ ફાંસીથી બચવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. 20 માર્ચ, 2020 ના રોજ ચાર પુખ્ત આરોપી વિનય શર્મા, પવન ગુપ્તા, અક્ષય કુમાર સિંહ અને મુકેશ સિંહને સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.

દિલ્હીમાં મહિલા અદાલત :નિર્ભયા કેસની વર્ષગાંઠ પર આમ આદમી પાર્ટી દ્વારા 'મહિલા અદાલત' નું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ દિલ્હીમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મહિલા કોર્ટમાં વિચારણા કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. આ માટે કડક કાયદા પણ બનાવવામાં આવ્યા, આમ છતાં લોકોના મનમાં ડર નથી.

દિલ્હીમાં મહિલા પર વધતી હિંસા :આ સંદર્ભમાં દિલ્હી મહિલા આયોગે 5 જાન્યુઆરી, 2024 ના રોજ તેના 8 વર્ષીય અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં પૂર્વ DCW અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, જાતીય સતામણીનો ભોગ બનેલી 60,751 પીડિતોને ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટરના કાઉન્સિલર દ્વારા સલાહ આપવામાં આવી હતી. રેપ ક્રાઈસિસ સેલ દ્વારા કમિશને કોર્ટમાં 1,97,479 સુનાવણીમાં જાતીય હુમલાનો ભોગ બનેલી પીડિતોની મદદ કરી છે. આયોગે જાતીય હિંસાની 29,800 FIR નોંધવામાં મદદ કરી છે. કમિશનના અધ્યક્ષ અને સભ્યો દ્વારા 4,14,840 સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

  1. મહિલા પર અત્યાચારોમાં દિલ્હી ટોપ, નિર્ભયા કાંડના 11 વર્ષ બાદ સ્થિતિ 'ઠેરની ઠેર'
  2. અમદાવાદ પોલીસ માત્ર એક બટન દૂર, શહેરમાં 160 જગ્યાએ લાગ્યા વીડિયો બોક્સ

ABOUT THE AUTHOR

...view details