રાયપુર: ગરિયાબંદમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 16 નક્સલવાદીઓમાંથી 12ની ઓળખ ખૂંખાર ઉગ્રવાદી તરીકે કરવામાં આવી છે. માર્યા ગયેલા 16માંથી 12 માઓવાદીઓ પર કુલ 3.13 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા માઓવાદીઓમાં નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીના એક સભ્ય પણ શામેલ છે. રાયપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા નક્સલવાદીઓમાં અગ્રણી નક્સલવાદી ચલપથી ઉર્ફે જયરામ પણ શામેલ છે. ચલપથી જયરામ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટી અને ઓડિશા સ્ટેટ કમિટીનો સભ્ય હતો. ચલપથી પર છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં કુલ 90 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
3 કરોડ 13 લાખનો ઈનામી નક્સલી મોતને ભેટ્યો:પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "આ પ્રથમ વખત છે કે, જ્યારે પ્રતિબંધિત સંગઠનની મુખ્ય સંચાલક સંસ્થા કેન્દ્રીય કમિટીનો કોઈ સભ્ય છત્તીસગઢમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે." અધિકારીએ જણાવ્યું કે, છત્તીસગઢ-ઓડિશા સરહદ પર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તાર જે ગરિયાબંદ જિલ્લામાં આવે છે, ત્યાં 6 મહિલા નક્સલવાદીઓ સહિત કુલ 16 માઓવાદીઓ મોતને ભેટ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, E-30 (ગરિયાબંદ જિલ્લા પોલીસ એકમ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), કોબ્રા (રિઝોલ્યુટ એક્શન માટે કમાન્ડો બટાલિયન) અને ઓડિશા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના જવાનોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગરિયાબંદમાં મળી વર્ષની મોટી સફળતાઃ પોલીસ મહાનિરીક્ષક (રાયપુર રેન્જ) અમરેશ મિશ્રાએ કહ્યું કે, મોતને ભેટેલા કેડર્સમાંથી 12ની ઓળખાણ થઈ ગઈ છે. આ 12 કેડર્સ પર છત્તીસગઢ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં કુલ 3.13 કરોડનું ઈનામ હતું. ચલપથી જેને રામચંદ્રન, પ્રતાપ રેડી, અપ્પા રાવ અને રવિ નામથી પણ ઓળખવામાં આવે છે. તે આંધ્ર પ્રદેશમાં ચિત્તુર જિલ્લાનો રહેવાસી હતો. ચલપથી પર છત્તીસગઢમાં 40 લાખ રૂપિયા, ઓડિશામાં 25 લાખ રૂપિયા અને આંધ્રપ્રદેશમાં 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
માર્યા ગયેલા વધુ 2 મુખ્ય કાર્યકર્તાઓની ઓળખ ઓડિશા રાજ્ય સમિતિના સભ્ય અને માઓવાદીઓના ધમતારી ગરિયાબંદ નુઆપાડા (DGN) વિભાગના સચિવ જયરામ ઉર્ફે ગુડ્ડુ અને DGN વિભાગના વડા સત્યમ ગાવડે તરીકે કરવામાં આવી છે. બંને હાર્ડકોર નક્સલવાદીઓ છત્તીસગઢના વતની છે. આ બંને પર ત્રણેય રાજ્યોમાં 65 લાખનું ઈનામ હતું-અમરેશ મિશ્રા, પોલીસ મહાનિરીક્ષક, રાયપુર રેન્જ.