નવી દિલ્હી:પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ગરીબોને મફત ચોખાનો સપ્લાય ચાલુ રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે PMGKAY અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ જુલાઈ, 2024 થી ડિસેમ્બર, 2028 સુધી મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાણકારી આપી. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે. તેમણે કહ્યું કે, આના પર કુલ 17,082 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને સમગ્ર ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.
સરકારના આ પ્રયાસથી દેશભરમાં ચોખાના ફોર્ટિફિકેશન માટે એક સંકલિત વ્યવસ્થા સુનિશ્ચિત થાય છે, જેનાથી અંદાજે 80 કરોડ નાગરિકોને ફાયદો થાય છે.
સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. તેને ધ્યાનમાં રાખીને આજે કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રૂ. 4,406 કરોડના રોકાણ સાથે 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે.
આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકાને વેગ આપવા, મુસાફરીમાં સુધારો કરવાનો અને રાષ્ટ્રીય હાઈવે નેટવર્ક સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. તે સરહદી વિસ્તારોને બહેતર રસ્તાઓ, ટેલિકોમ કનેક્ટિવિટી, પાણી પુરવઠો, આરોગ્યસંભાળ અને શિક્ષણ સુવિધાઓ સાથે વાઇબ્રન્ટ ગામોમાં પરિવર્તિત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.