જમ્મુ: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સે સૈનિકોના ફોટા સાથે ટ્વિટર પર સમાચારની પુષ્ટિ કરી. તો બીજી તરફ બારામુલામાં 3 આતંકવાદીઓ ઠાર થયા છે.
મહત્વપૂર્ણ છે કે, આ વિસ્તારમાં ચાર આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. તમને જણાવી દઈએ કે કિશ્તવાડ ડોડા ક્ષેત્રનો પડોશી જિલ્લો છે, જ્યાં વડાપ્રધાન આજે (શનિવાર) એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે.
એન્કાઉન્ટર અંગે એડીજીપી જમ્મુ આનંદ જૈને જણાવ્યું હતું કે 'પોલીસ સ્ટેશન ચતરૂ, ના કાર્યક્ષેત્ર હેઠળના નૈદગામ ગામની ઉપરના ભાગમાં પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોની સર્ચ ટીમો અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે સેના સાથે મળીને ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, અને ત્યાર બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
રિપોર્ટ અનુસાર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓછામાં ઓછા 4 આતંકી કિશ્તવાડના ચતરો વિસ્તારમાં ફસાયેલા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એન્કાઉન્ટર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સેના સાથે મળીને આતંકીઓને ઠેકાણે પાડવા માટે આ વિસ્તારને ઘેરી લીધો છે.
આ પણ વાંચો:
- જમ્મૂ-કશ્મીરના નૌશેરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા - AN ENCOUNTER IN NOWSHERA
- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, 3 આતંકવાદીનું એન્કાઉન્ટર - Jammu Kashmir Encounter