મધ્યપ્રદેશ :હરદા જિલ્લામાંથી એક ભયાનક અકસ્માત બન્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થવાથી ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શહેરના મગરધા રોડ પર ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું હતું. જેમાં ફટાકડા માટે ગનપાઉડરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગતા આસપાસના ઘણા મકાનો આગની લપેટમાં આવી ગયા છે. આ બનાવમાં 40 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને 6 લોકોના મોતની પણ માહિતી છે.
ભયાનક વિસ્ફોટ-વિકરાળ આગ :ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે કે તેનો ધુમાડા કેટલાય કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો. કારખાનામાંથી જોરદાર વિસ્ફોટ અને આગની જ્વાળાઓના કારણે સ્થાનિક લોકોમાં ખળભળાટ ફેલાયો હતો. આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી. જ્યારે વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ગેરકાયદેસર ફટાકડાની ફેકટરી :હરદાના મગરધા રોડ પર આવેલા બૈરાગઢ ગામમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. આગ એટલી ભીષણ હતી કે રસ્તા પરથી પસાર થતા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ ઉપરાંત આસપાસના 50 થી વધુ રહેવાસીઓના ઘર પણ આગની લપેટમાં આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ વિસ્તારમાં કેટલાક લોકોના મૃતદેહ પણ જોયા હતા. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. તમામ ઘાયલોને જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત નજીકના લોકોને ઘર ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.