પ્રયાગરાજ:મહાકુંભમાં મૌની અમાવસ્યામાં સ્નાન કરવા આવેલી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક ગુજરાતી સહિત 30 લોકોના મોત થયા છે, જેમાંથી 25 મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જ્યારે 60 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોનેે સ્વરૂપરાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારની રાત્રે લગભગ 1.30 વાગ્યે સંગમ કિનારે બની હતી. 90 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
મૌની અમાવસ્યાને લઈને બીજા શાહી સ્નાન માટે સંગમ કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ દરમિયાન અફવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓ અને પુરુષો સહિત અસંખ્ય લોકો જમીન પર પડી ગયા હતા અને લોકો તેમને કચડીને આગળ વધ્યા જેનાથી સ્થિતિ વધુ બગડી.
પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
પીએમ મોદીએ મહાકુંભમાં સર્જાયેલી ભાગદોડની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર ટ્વિટ કરીને લખ્યું છે કે 'પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા ભક્તો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, મેં મુખ્યમંત્રી યોગીજી સાથે વાત કરી છે અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું'.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ઘટના પર શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મહાકુંભમાં સર્જાયેલી ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે મહાકુંભમાં ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ છે. માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા ઘાયલ ભક્તો જલ્દી સ્વસ્થ થાય.
મહત્વપૂર્ણ છે કે, પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અત્યાર સુધીમાં કુલ 5.71 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. ૧૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૧૯.૯૪ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું છે.