સિલચર: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મણિપુરના જીરીબામમાં રાહત શિબિરોની મુલાકાત લીધી. આ પહેલા તેઓ સોમવારે સવારે 9.30 વાગે આસામના કચર જિલ્લાના કુંભિરગ્રામ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ એરપોર્ટથી રોડ માર્ગે મણિપુરના જીરીબામ જવા નીકળ્યા હતા. રાહુલ મણિપુરના શિબિરોની મુલાકાત લેશે, જ્યાં મણિપુર હિંસાનો ભોગ બનેલા લોકો હજુ પણ આશ્રય લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ સોમવારે સાંજે મણિપુરના રાજ્યપાલને મળી શકે છે, ત્યારબાદ તેઓ નાગાલેન્ડ જશે.
આ પહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સોમવારે આસામના કછાર જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને મળ્યા હતા. તેઓ સિલચર પહોંચ્યા અને એરપોર્ટ પર આસામ અને મણિપુરના કોંગ્રેસના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ પછી રાહુલ ફુલેરતાલ ગયા અને રાહત શિબિરોમાં રહેતા પૂરગ્રસ્ત લોકો સાથે વાત કરી. લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો ઉત્તર-પૂર્વ પ્રવાસ છે.