વારાણસીઃ જ્ઞાનવાપીના આક્રિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ જાહેર થયા બાદ હવે સવાલ એ છે કે શું 355 વર્ષ જૂના વિવાદનો અંત અયોધ્યા જેવો જ આવશે? જ્ઞાનવાપી સર્વે રિપોર્ટમાં વર્ષ 1669માં મંદિરને ધ્વસ્ત કરીને મસ્જિદ નિર્માણ કરાયું હોય તેવો ઉલ્લેખ છે. આ મામલે છેલ્લા 33 વર્ષથી અનેક કેસ ચાલી રહ્યા છે. જૂના કેસની સાથે નવા કેસ જોડાતા ગયા અને એક પછી એક અનેક કેસ દાખલ થતા ગયા. વર્ષ 1991ના લોર્ડ આદિ વિશ્વેશ્વર વિરુદ્ધ અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીના કેસ બાદ વર્ષ 2021માં પરિસરમાં ઉપલબ્ધ શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શનની અરજી 5 મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તો અનેક કેસ દાખલ થયા છે.
જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ આવી ગયા બાદ શું આ વિવાદનો અંત આવી જશે તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. આ વિવાદમાં સૌથી પહેલો કેસ વર્ષ 1991માં લોર્ડ વિશ્વેશ્વર મામલે દાખલ થયો હતો. આ મામલામાં એએસઆઈ સર્વે કરવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેના પર હાઈ કોર્ટમાંથી સ્ટે લાવવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ 2021માં 17મી ઓગસ્ટે રાખી સિંહ, રેખા પાઠક, મંજૂ વ્યાસ અને લક્ષ્મી દેવી તરફથી નવી અરજી કરવામાં આવી.
આ 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન કરવાની માંગણી કરી હતી. તેમજ સમગ્ર પરિસરના સર્વેની માંગ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કેસ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યો. 2 વર્ષની સુનાવણી બાદ વર્ષ 2023ની 21 જુલાઈના રોજ ન્યાયાધીશે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાને સર્વે કરવાનો આદેશ કર્યો. આ સર્વેનું ઐતિહાસિક મહત્વ બહુ જ છે કારણ કે અયોધ્યાની જેમ આ સર્વેનો રિપોર્ટ પણ જ્ઞાનવાપી વિવાદને ખતમ કરવાનો સૌથી મોટો પુરાવો છે. જ્ઞાનવાપી વિવાદ કોર્ટમાં ભલે 33 વર્ષોથી હોય પરંતુ તે અયોધ્યાના લાંબા વિવાદની જેમ છેલ્લા 355 વર્ષોથી ચાલી રહ્યો છે.
આ સર્વે રિપોર્ટનો આધાર બનાવીને હિન્દુ પક્ષ હવે આ કેસને ખતમ કરવાની માંગ કરી રહ્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષ આ વિવાદને વધુ ઉગ્ર બનાવી આગળ લંબાવવા માંગે છે. જૂના કેસમાં પણ સીનિયર જજ સિવિલ ડિવિઝનની કોર્ટમાં સર્વે રિપોર્ટને દાખલ કરવામાં આવ્યો છે. જેનાથી જૂના કેસને ન્યાય તરફ આગળ વધારવામાં મદદ મળે. વર્ષ 2018માં હાઈ કોર્ટે આપેલા સ્ટે બાદ હવે આ કેસમાં સુનાવણી શરુ થઈ છે.
હિન્દુ પક્ષની દલીલ છે કે જ્ઞાનવાપી પરિસરમાં 100 ફિટ ઊંચું સ્વયંભૂ વિશ્વેશ્વ મહાદેવનું જ્યોર્તિલિંગ છે. કાશી વિશ્વનાથ મંદિર 2050 વર્ષ અગાઉ મહારાજા વિક્રમાદિત્યએ કરાવ્યું હતું. વર્ષ 1664માં ઔરંગઝેબે આ મંદિરને તોડીને આ મંદિર પરિસર પર જ મસ્જિદનું નિર્માણ કર્યુ હોવાનો દાવો હિન્દુ પક્ષ કરી રહ્યો છે. જો કે આ દાવો સર્વે રિપોર્ટમાં સાચો પડ્યો છે. વર્ષ 1991માં કેન્દ્ર સરકારે પૂજા સ્થળ કાયદો બનાવ્યો હતો. જેમાં આ મામલો ઘણી હદે દબાઈ ગયો હતો. આ કાયદા અંતર્ગત વર્ષ 15મી ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલ ધર્મના પૂજા સ્થળમાં અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં પરિવર્તિત કરી શકાય નહી. આ કાયદાના ઉલ્લંઘન બદલ 1થી 3 વર્ષની કેદ અને દંડની પણ જોગવાઈ છે.