નવી દિલ્હી :તાઇવાનની ટેકનોલોજી જાયન્ટ ફોક્સકોનના CEO યંગ લિયુને (Foxconn CEO Young Liu) ગુરુવારે ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતે સૌપ્રથમવાર તાઈવાનના કોઈ વ્યક્તિને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે, જેને બેઇજિંગ માટે એક સંદેશ તરીકે જોઈ શકાય છે. નોંધનીય છે કે, તાઈવાન વિશ્વના 60% થી વધુ સેમિકન્ડક્ટર્સ અને 90% થી વધુ અદ્યતન ઉત્પાદન કરે છે.
કોણ છે યંગ લિયુ ?યંગ લિયુ એક માન્ય ઉદ્યોગસાહસિક અને સંશોધનકાર છે. જેની પાસે ચાર દાયકાથી વધુનો ઉદ્યોગ અનુભવ છે. યંગ લિયુએ વર્ષ 1988 માં એક મધરબોર્ડ કંપની યંગ માઈક્રો સિસ્ટમ્સ, 1995 માં નોર્થ બ્રિજ અને સાઉથ બ્રિજ IC ડિઝાઇન કંપની જેણે પીસી ચિપસેટ અને ITE ટેક પર ફોકસ કર્યું અને 1997 માં ADSL IC ડિઝાઇન કંપની ITeX એમ કુલ ત્રણ કંપનીઓની સ્થાપના કરી છે. ફોક્સકોન વેબસાઇટ અનુસાર યંગ લિયુએ 1986 માં યુનિવર્સિટી ઓફ સાઉથન કેલિફોર્નિયામાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમ.એસ. ડિગ્રી અને 1978 માં તાઇવાનની નેશનલ ચિયાઓ તુંગ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોફિઝિક્સમાં બી.એસ. ડિગ્રી પ્રાપ્ત કરી છે.
ફોક્સકોન કંપની :તાઇવાન સ્થિત ફોક્સકોન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક તથા અગ્રણી વૈશ્વિક વિજ્ઞાન અને ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રદાતા છે, જે ચીન સાથે વિવાદમાં છે. ગયા વર્ષે અમેરિકન ટેક ટાઇટન એપલ માટે અગ્રણી સપ્લાયર ફોક્સકોને ચીનથી અલગ થવા માટે ભારતમાં 1.6 બિલિયન US ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
ભારતનો છુપો હેતુ શું ? X પરની એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા કહ્યું કે, ભારત વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની કદર કરે છે. ભારતે તાઈવાનના ટેક્નોક્રેટ નાગરિકને પદ્મ ભૂષણથી સન્માનિત એવા સમયે કર્યા છે, જ્યારે એક તરફ US અને તેના સહયોગીઓ દ્વારા સપ્લાય ચેઇનને ચીનથી દૂર ખસેડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વચ્ચે એશિયાના આગામી ઉત્પાદન કેન્દ્ર તરીકે દેશને પ્રોજેક્ટ કરીને પીએમ મોદી ભારતમાં વિદેશી રોકાણ આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે.
યંગ લિયુની ભારત યાત્રા : ગત વર્ષના માર્ચ મહિનામાં યંગ લિયુ ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા. લિયુએ જણાવ્યું હતું કે, ફોક્સકોન કંપની ભારતમાં એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનું ચાલુ રાખશે જે અમારા તમામ હિતધારકોને શેર કરવા, સહયોગ કરવા અને વિકાસ કરવાનો અવસર આપશે. ફોક્સકોન કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેણે HCL ગ્રૂપ સાથે ભારતમાં ચિપ પેકેજિંગ અને ટેસ્ટિંગ પ્લાન્ટ બનાવવાની યોજના બનાવી છે.
- Macron Visit : ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોં માટે જયપુરમાં શાહી ભોજ, શહેરની હેરિટેજ નિહાળશે, પીએમ નરેન્દ્ર મોદી કરશે સ્વાગત
- Iranian President India Visit : ઈરાનના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, લાલ સમુદ્રમાં હુથીના હુમલા અંગે કરી ચર્ચા