નવી દિલ્હી:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. ગુરુવારે સાંજે 92 વર્ષીય મનમોહન સિંહને ગંભીર હાલતમાં દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી એઈમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌર, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, બીજેપી ચીફ જેપી નડ્ડા સહિત ઘણા મોટા નેતાઓ એઈમ્સ પહોંચી રહ્યા છે.
તેમના નિધન પર અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે એક પોસ્ટ કરીને પ્રિયજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
રિપોર્ટ અનુસાર મનમોહન સિંહની પુત્રી પણ હોસ્પિટલમાં તેમની સાથે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હી AIIMS પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ટૂંક સમયમાં એઈમ્સમાં પહોંચવાના અહેવાલ છે. એવા સમાચાર છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ કોંગ્રેસ અધિવેશન છોડીને દિલ્હી પરત ફરી રહ્યા છે.
આ પહેલા સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે 92 વર્ષીય મનમોહન સિંહને દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે AIIMSના ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે.
મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા અને લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ હતા. વર્ષ 1991માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તે જ વર્ષે, તેઓ 1991 થી 1996 સુધી તત્કાલીન નરસિમ્હા રાવ સરકારમાં નાણા પ્રધાન હતા અને તેમણે ભારતીય અર્થતંત્રમાં નવા નાણાકીય અને વહીવટી સુધારાની શરૂઆત કરી હતી.
ડૉ.મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર, 1932ના રોજ પંજાબમાં થયો હતો. તેમણે 1952 અને 1954માં પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી. તેમણે 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક ટ્રીપોસ પૂર્ણ કર્યું. આ પછી 1962માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ. ની પદવી પ્રાપ્ત કરી છે. ડૉ. સિંહે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં શિક્ષણ કાર્ય કર્યું છે.
તેઓ 1971માં ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. તેમને ટૂંક સમયમાં 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે બઢતી આપવામાં આવી હતી. UNCTAD (યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ) સચિવાલયમાં ટૂંકા કાર્યકાળ પછી, તેઓ 1987-1990 દરમિયાન જિનીવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી-જનરલ તરીકે નિયુક્ત થયા.
આ સિવાય મનમોહન સિંહે નાણાં મંત્રાલયમાં સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તેઓ 1991માં રાજ્યસભાના સભ્ય બન્યા, જ્યાં તેઓ 1998-2004 સુધી વિપક્ષના નેતા હતા. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ, તેમણે 22 મે, 2004 અને ફરીથી 22 મે, 2009ના રોજ વડાપ્રધાન પદ સંભાળ્યું.
મનમોહન સિંહને અનેક સન્માન મળ્યા છે
વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને તેમની ઘણી સિદ્ધિઓ માટે તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તેમાં 1987માં પદ્મ વિભૂષણ, 1993માં નાણા મંત્રી માટે યુરો મની એવોર્ડ, 1993 અને 1994 બંનેમાં નાણા મંત્રી માટે એશિયા મની એવોર્ડ અને 1995માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ જન્મ શતાબ્દી પુરસ્કારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
- કારની એરબેગ ખુલી જતા આગળની સીટ પર બેઠેલા 6 વર્ષના બાળકનું મોત! વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો
- 2025માં વિનાશકારી ફેરફારના સંકેત: ગ્રહોની બદલાતી ચાલથી કોરોના જેવી મહામારીના અણસાર, સપ્ટેમ્બરમાં 2 ગ્રહણ