નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેશન કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના મુખ્ય આરોપી તાહિર હુસૈન મુસ્તફાબાદ વિધાનસભા મતવિસ્તારમાંથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના ઉમેદવાર હશે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોતે પોતાના X હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઓવૈસીએ લખ્યું છે કે, પૂર્વ કાઉન્સેલર તાહિર હુસૈન AIMIMમાં જોડાઈ ગયા છે અને તે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુસ્તફાબાદથી અમારા ઉમેદવાર હશે. હાલ તાહિર હુસૈન દિલ્હી રમખાણ કેસમાં જેલમાં છે.
AIMIMએ તાહિર હુસૈનને તેના ઉમેદવાર બનાવ્યા:આમ આદમી પાર્ટીએ સોમવારે જ મુસ્તફાબાદથી આદિલ અહેમદ ખાનને તેના ઉમેદવાર બનાવ્યા છે. તાહિર હુસૈનના પરિવારના સભ્યો અને તેમના સમર્થકો મંગળવારે ઓવૈસીને મળ્યા હતા અને પાર્ટીમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ 2017માં તાહિર હુસૈન આમ આદમી પાર્ટીની ટિકિટ પર મુસ્તફાબાદના નેહરુ વિહાર વોર્ડમાંથી કાઉન્સિલર ચૂંટાયા હતા. તે પછી, તાહિર હુસૈન પર ફેબ્રુઆરી 2020 માં દિલ્હી રમખાણોમાં ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પછી તાહિર હુસૈનને આમ આદમી પાર્ટીએ હાંકી કાઢ્યા હતા.
પોલીસે પોતાની ચાર્જશીટમાં તાહિર હુસૈનને દિલ્હી રમખાણોનો મુખ્ય ષડયંત્રકાર ગણાવીને આરોપી બનાવ્યો હતો. આ ઉપરાંત તાહિર હુસૈન પર રમખાણો દરમિયાન IB કોન્સ્ટેબલ અંકિત શર્માની હત્યા કરવાનો પણ આરોપ છે. હાલમાં, તાહિર હુસૈન વિરુદ્ધ દિલ્હી રમખાણો સંબંધિત કેસ કરકરડૂમા કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજેપી નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈનને AIMIM તરફથી ઉમેદવાર બનાવવા માટે તેમના એક્સ હેન્ડલ પોસ્ટ કરીને નિશાન સાધ્યું છે.